તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઉન્હા ઉજાગરાની પ્યાસ.
આંખો મીંચાય, પછી શમણું ઊગે
એ તો નીંદરમાં બાવળની શૂળ;
ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં
વાયદાના ભાંગેલા પુલ :
એવી તે વાવી કઇ જીવતરમાં ભૂલ
કે તમે મળવામાં આટલા ઉદાસ !
ધોધમાર તડકો કંઇ આછો થયો
અને સાંજની હવા તે બહાવરી;
કાળીકાળી વાદળી ખુલ્લા આકાશમાં
વરસી નહીં કે નહીં આછરી
આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ !
– જગદીશ જોષી
આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ !
કેટલી કરુણ અભિવ્યક્તી
————————
શુભ દીવાળી અને નૂતનવર્ષાભિનંદન.
નવું વર્ષ આપ સૌને સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃધ્ધિ સભર નીવડો એવી પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના.
ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં
વાયદાના ભાંગેલા પુલ
તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઉન્હા ઉજાગરાની પ્યાસ.
વાહ ભાઇ બહુ સરસ ..