આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. થોડા દિવસો પહેલાં ભારતે ચંદ્રયાનનું સફળ પ્રક્ષેપણ કર્યું અને 2015 સુધીમાં ચંદ્ર પર માનવી ઉતારવાનું ભારતનું સ્વપ્ન છે. એ હકીકત બને ત્યારની વાત ત્યારે. પણ કલમના માધ્યમથી તો સૂરજ અને ચાંદની પારના પ્રદેશમાં અવશ્ય જઈ શકાય. એના પર ક્યાં પાબંદી છે… માનવ તરીકે આપણે ક્યાં જવાનું છે ? આપણે તો આપણા અહંના કોચલાને તોડી એકમેકના હૃદય સુધી પહોંચવાનું છે. પૂર્વગ્રહોની પાર જવાનું છે, એ જ સર્જનનો ધ્વનિ છે.
સૂરજ જઈએ, ચાંદ જઈએ, નભની પેલી પાર જઈએ
ચરણ મળે જો ચાલવા તો ઈન્દ્રધનુને ઢાળ જઈએ.
બળબળતા જીવનમાં તરસ્યા રહીને ટળવળવાનો શ્રાપ,
છોડીને રણનાં રસ્તાઓ, ઝાકળજળની માંહ્ય જઈએ
શીત સમંદર, વિપુલ વારિ, ખારાશ તોય રહી સારી,
પૂર્વગ્રહોનાં છીપલાં તોડી મોતી થઈને બ્હાર જઈએ.
ચાર દિવસની જિંદગાનીમાં ભૂલભૂલામણી છે ભારી
રક્ત, ત્વચા ને માંસપેશીને ભેદી ભવની પાર જઈએ.
ધર્મસભા જ્યાં યુધિષ્ઠિરની, ટેક પિતામહ ભીષ્મ તણી,
દાનવીર જ્યાં કર્ણ વસે એ મહાભારતની પાળ જઈએ.
મેવાડી મીરાંની મૂરત મ્હેંકે છે મન-અંતર માંહ્ય
ગિરધર નાગર ગાતાં ‘ચાતક’ ગિરિધારીને દ્વાર જઈએ.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ઘણાં વખત પહેલા રચેલી આ કૃતિમાં બંધારણની અમુક ક્ષતિઓ હતી. ઘણાં દિવસે આજે નજરે પડતાં એમાં કેટલાક ફેરફાર કર્યા. મૂળ રચનાના બે શેર દૂર કરી, બે નવા ઉમેર્યા તથા એક કાફિયાને બદલ્યો છે. મત્લા સહિતના ચાર શેર યથાવત છે. રચનાનું કલેવર પૂર્વવત્ રહે એવો પ્રયાસ કર્યો છે. જે મિત્રોએ અગાઉ પોતાના અભિપ્રાય આપ્યા છે તેમની આ સુધારણા બદલ ક્ષમાયાચના .. આશા છે એ સૌને આ ગમશે.
વેળા વીતી જાય તારી વેળા વીતી જાય,
વીતે તે પહેલા ચેતી જા જોજે મોડુ થાય…
ચાર દિવસની બાજી જીવન, ચાર દિવસની બાજી;
ધર્મ વળી શુભ કર્મ કરી લે, જીવન ચાર દિવસની બાજી…
ચાર દિવસની જિંદગાનીમાં ભુલભુલામણી છે ભારી
રક્ત, ત્વચા ને માંસપેશીને ભેદી ભવની પાર જઈએ.
વાહ! દક્ષેશ, ખૂબ સુંદર રચના! અભિનંદન!
-ડૉ. બિપિન કૉન્ટ્રાકટર
સૂરજ જઈએ, ચાંદ જઈએ, નભની પેલી પાર જઈએ
ચરણ મળે જો ચાલવા તો ઈન્દ્રધનુને ઢાળ જઈએ.
મને તો આ જ પંક્તિ ખૂબ ગમી.
રોજેરોજ મમળાવવાનું મન થાય એવી છે.
ધન્યવાદ !
આવા જ સુંદર ગીતો આપતા રહેશો.
પૂર્વગ્રહોનાં છીપલાં તોડી મોતી થઈને બ્હાર જઈએ – મોતી થવાની વાત ખૂબ ગમી. આશા રાખુ કે આ નવા વરસે છીપલામાંથી બહાર આવુ!
વાહ! ચાતક. સમગ્ર વેદોનો સાર સમાવી લીધો.
ચાલો – ભવની પાર જઈએ! ધન્યવાદ.
સાવ સાચી વાત.. ઝવેરચંદ મેઘાણીએ કહ્યું છે ને કે હું માનવી માનવ થાઉં ને તોય ઘણું.