Press "Enter" to skip to content

દિલમાં દીવો કરો


આજે દીવાળી છે એથી સૌ વાચકોને શુભ દિપાવલી. ચૌદ વરસના વનવાસ પછી રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા પધાર્યા તેથી સમગ્ર અયોધ્યામાં દીવા પ્રગટાવવામાં આવ્યા. એ પછી દીવાળીના દિવસે દીવા પ્રગટાવવાની પરિપાટી શરૂ થઈ. પણ આ ગીતમાં ભક્ત કવિ રણછોડ કહે છે કે સાચો દીવો ત્યારે થયો ગણાય જ્યારે દીલનું અંધારું મટી જાય, આત્માની ઓળખ થાય, અને પછી સર્વ સ્થળે ઈશ્વરીય તત્વનો અનુભવ થાય. તો આજે દીવાળી નિમિત્તે દીવા પ્રગટાવીએ અને સાથે સાથે આ પણ યાદ રાખીએ. મને ખૂબ ગમતી આ પ્રાર્થનાની ઓડિયો જો કોઈ મિત્ર પાસે હોય તો મોકલવા વિનંતી જેથી આ સુંદર પ્રાર્થના સૌ સાંભળી શકે.

દિલમાં દીવો કરો રે, દીવો કરો.
કૂડા કામ ક્રોધને પરહરો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…

દયા-દિવેલ પ્રેમ-પરણાયું લાવો, માંહી સુરતાની દિવેટ બનાવો;
મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…

સાચા દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારું સૌ મટી જાશે;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…

દીવો અભણે પ્રગટે એવો, તનનાં ટાળે તિમિરનાં જેવો;
એને નયણે તો નરખીને લેવો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…

દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…

– ભક્તકવિ રણછોડ

2 Comments

  1. Raju
    Raju October 31, 2008

    ઘણી ઊંડી વાત કરી – ચાવી મળી જાય તો કેવુ સરસ!

  2. Pragnaju
    Pragnaju October 28, 2008

    દિલમાં દીવો કરો રે, દીવો કરો.
    કૂડા કામ ક્રોધને પરહરો રે, દિલમાં દીવો કરો રે. દિલમાં…
    સીધી સાદી સચૉટ વાત
    દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ
    આ જે સં ત વા ણી
    તમારો સહવાસ પામી, તમારો રસ મેળવી,
    પ્રેરણા ઝીલી તમારી, ચિત્તને નિત કેળવી;
    ગણાતી’તી જે અસાર વળી વિષ સમી તે બધી,
    જિંદગી ઉત્સવ સમી, મારે ખરેખર છે થઇ.
    *http://niravrave.wordpress.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.