Press "Enter" to skip to content

તમારા અહીં આજ પગલાં થવાનાં


આજે ગનીચાચાની એક સદાબહાર રચના બે સ્વરોમાં.
*
સ્વર – મનહર ઉધાસ

*
સ્વર- હેમંત કુમાર

*
તમારા અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે, કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થઈ ગઈ છે.

બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની બધાં સાધનોથી સભર થઈ ગઈ છે.

હરીફો ય મેદાન છોડી ગયા છે નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા, ભ્રમર – ડંખથી બેફિકર થઈ ગઇ છે.

પરિમલની સાથે ગળે હાથ નાખી- કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ, પુરાણા મલાજાથી પર થઈ ગઈ છે.

ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે; વિધાતાથી કોઇ કસર થઈ ગઇ છે.

‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને, ઘણી જન્નતોમાં સફર થઈ ગઇ છે.

– ગની દહીંવાલા

5 Comments

  1. Purvesh
    Purvesh September 16, 2009

    બહુ મસ્ત ગઝલ છે.

  2. Sachin Mandaliya
    Sachin Mandaliya August 26, 2009

    ખુબ ખુબ આભાર્,
    ખુબ જ સુન્દર ગઝલ.

  3. namrata amin
    namrata amin December 19, 2008

    અરે દક્ષેશભાઈ મે તો તમારો આ બ્લોગ જોયો. અરે ખુબ ખુબ સરસ છે, અને એક વાત કહુ? આ બધા તો મારા અત્યંત ગમતા ગીતો છે. મારે આના સભ્ય થવું હોય તો શું કરાય?
    [ આ બ્લોગ બધા માટે ખુલ્લો જ છે. most welcome – admin ]

  4. Dr Bipin Contractor
    Dr Bipin Contractor December 18, 2008

    ખૂબ સુંદર કલ્પના ! ખૂબ સુંદર શબ્દો! ઘણા વખત બાદ ગની દહીંવાલાની રચના આ વેબસાઇટ પર સાંભળવા મળી.આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.