આજે રમેશ પારેખની એક સદાબહાર ગઝલ સોલી કાપડીયાના સ્વરમાં.
*
*
આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં
આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં
ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં
સપનાંના છટક રસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો,
પણ પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં
દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં
ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં
– રમેશ પારેખ
રમેશ પારેખ એટલે લય નો બેતાજ બાદશાહ
આંખોથી આંખો મળે ને પાછુ હ્દય થડકે પણ ક્યારે તણખા ઝરે કહેવાય નહીં.
રમેશ પારેખ એટલે રમેશ પારેખ, ક્યાંથી શરુઆત કરે અને ક્યાં લઇ જાય કહેવાય નહીં.