Press "Enter" to skip to content

Month: February 2011

દરરોજ હોવી જોઈએ


તસવીર – Lotus Temple, Delhi (2009)

પંથને કાયમ ચરણની ખોજ હોવી જોઈએ,
મંઝિલો પણ રાહબર હો, તો જ હોવી જોઈએ.

જિંદગી દોઝખ ભરેલી હોય તો ચાલી જશે,
કમ-સે-કમ સપનામહીં તો મોજ હોવી જોઈએ.

રોજ ઊગી આથમે એ સૂર્યને કહેજો જરા,
ચાંદની મારા ઘરે દરરોજ હોવી જોઈએ.

કોઈ તો કારણ હશે એને વળાવી આ રીતે,
આ નદીઓ બાપને ઘર બોજ હોવી જોઈએ.

એક-બે સપનાં ઝઝૂમે કેટલું ‘ચાતક’ અહીં,
જીવવા માટે જરૂરી, ફોજ હોવી જોઈએ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

14 Comments

આજ બોલી નાખીએ


Happy Valentines Day !

ક્યાં સુધી એને છુપાવી રાખીએ ?
જે હૃદયમાં, આજ બોલી નાખીએ.

હાથમાં લઈ હાથ, આંખોમાં વફા
દ્વાર દિલનાં આજ, ખોલી નાખીએ.

પ્રીતના ઉન્માદની મ્હેંકે ભર્યા
શ્વાસમાં શ્વાસો ઝબોળી નાખીએ

લોક એને છો કહે પાગલપણું,
એ ડ્હાપણ આજ ડ્હોળી નાખીએ.

રોજ મળીએ આપણે જૂદાં થઈ,
તાર મનનાં એમ જોડી નાખીએ.

પ્રેમમાં ‘ચાતક’ મળે ગહેરાઈ તો
લો, કિનારાનેય તોડી નાખીએ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

6 Comments

જાતને ખોવી ઘટે

જાત જોવી હોય તો તો જાતને ખોવી ઘટે,
એક ઘટના બંધ આંખે આંખમાં જોવી ઘટે.

લાગણી દર્શાવવા શબ્દો જરૂરી તો નથી,
કેટલીક સંવેદનાઓને ફકત રોવી ઘટે.

મેલ ઘટનાઓ તણો ચઢતો રહે એને સતત,
જિંદગીને વસ્ત્રની માફક કદી ધોવી ઘટે.

લોક મૃત્યુ નામથી એને ખપાવે છે અહીં,
શ્વાસને આરામની એવી સજા હોવી ઘટે ?

એમની યાદો હજી પણ કંઠમાં ડૂમો ભરે,
આંખ ‘ચાતક’ એટલે અશ્રુથકી લોવી ઘટે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments

ઘટના ભુલાવી જાય છે

આંખના આંસુ ઘણી ઘટના ભુલાવી જાય છે,
લાગણીઓ પ્રેમમાં સાચે જ ફાવી જાય છે.

એક પળ માટે ઊભા રહી એ જરા પાછળ જુએ,
એટલી હરકત ઘણાં સપનાં સજાવી જાય છે.

બેવફાઈ શ્વાસની, પીડે સતત સંવેદના,
જીંદગી સ્મિતે છતાં સઘળું નભાવી જાય છે.

શું હશે એવું, હજી શોધ્યા કરું એની કૂંચી,
(કે) પારકું ઘર, પારકો વિસ્તાર ભાવી જાય છે.

શ્વાસનું આવાગમન કે વેદનાઓનું કવન,
બે જ શબ્દોમાં જીવનનો સાર આવી જાય છે.

હર્ષ, પીડા, ખેવના, ઉન્માદ, ‘ચાતક’ની તરસ,
આ સમયના દાંત તો કેવુંય ચાવી જાય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments