*
ધીકતી દુકાન વેચી કોઈ લારી ના કરે,
જેમ દરજી સૂટ મૂકી ને સફારી ના કરે.
કોઈએ જોઈ હશે આકાશની ત્યાં શક્યતા,
ભીંતને અમથી જ કાપી કોઈ બારી ના કરે.
કેટલા વિશેષણો ઉપમા વિના રખડી પડત !
ખૂબ વિચાર્યા વિના ઈશ્વર યે નારી ના કરે.
ગાઢ આલિંગન અને ચુંબનમાં સંયમ રાખવો,
જોઈ લો, આખી નદી દરિયોય ખારી ના કરે.
પોતપોતાનું શહેર બધ્ધાંને વ્હાલું લાગતું,
આઈસનો હલવો થવાની જીદ ઘારી ના કરે.
મોત તો આશ્ચર્ય ને રોમાંચનો પર્યાય છે,
આવતાં પહેલાં કદી નોટિસ એ જારી ના કરે.
એક પળ ક્યારે સદી થઈ જાય એ કહેવાય નહીં,
એટલે ‘ચાતક’ સમયથી હોંશિયારી ના કરે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – Painting by Donald Zolan]
નવીનતાસભર ગઝલ ઉપમા પણ નવી જાણે ઉપમા કાલિદાસસ્ય !
નવીનતાસભર ઉપમા પણ નવી જાણે ઉપમા કાલિદાસસ્ય સલામ અમારાં.
ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ. તમને નવીનતા ગમી એનો આનંદ. કુશળ હશો.
ખૂબ સરસ …
મોત તો આશ્ચર્ય ને રોમાંચનો પર્યાય છે,
આવતાં પહેલાં કદી નોટિસ એ જારી ના કરે.
“કોઈએ જોઈ હશે આકાશની ત્યાં શક્યતા,
ભીંતને અમથી જ કાપી કોઈ બારી ના કરે.”
વાહ! વાહ! વાહ!
ખુબ ખુબ આભાર.