વરસો ચાળીને હવે થાક્યા, બા મારા, વરસો ચાળીને હવે થાક્યા.
ઘરનો થૈ મોભ હવે હાંફ્યા, બા મારા, વરસો ચાળીને હવે થાક્યા.
તુલસીના ક્યારે જઈ ઘીના દીવા કર્યા,
દુઃખના દાવાનળથી કોદિયે ના ડર્યા
બોર બોર આંસુડા જાળવી જતનભેર સેવામાં રામની એણે સપ્રેમ ધર્યા,
ધારેલા તીર બધા તાક્યા … બા મારા
પારકાંને પોતાના, પ્રેમે કરતા રહ્યા,
જાતે ઘસાઈ, દેહ ઉજળો કરતા રહ્યા,
સેવા ને સાદગીની ગળથૂથી પાઈ ને, અજવાળું આપવા પોતે જલતા રહ્યા,
કેટલા ઉઘાડાને ઢાંક્યા .. બા મારા
ઘડપણમાં વેદનાઓ મળવાને આવી,
દીકરી ગણી બાએ હૈયે લગાવી,
મોતિયો ભલે, બાની આંખેથી મોતીઓ આંસુ બનીને ઝટ્ટ કોદિ ના આવ્યા,
પગલાં પારોઠ ના માપ્યા … બા મારા
જગમાં ‘ચાતક’ એનો જોટો જડે નહીં,
પ્રેમની એ મોંઘેરી મૂરત મળે નહીં,
લાગણીના પૂળાઓ બાંધીને હૈયામાં, રાતોના રાતો એ સેવામાં જાગ્યા,
શ્વાસે શ્વાસે પ્રભુ જાપ્યા … બા મારા
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
રાજુ કોટક મારા પરમ મિત્ર. અને તેઓની ફેસબુક પોસ્ટ – મા તારા વ્હાલનો વારસદાર – પર અમારા મિત્ર દક્ષેશભાઈએ આ કવિતા શેર કરી. એને વાંચી હું આ લખું છું. શરૂઆત જ … વરસો ચાળીને હવે થાક્યા, બા હવે .. આખી રચના 3-4 વાર વાંચી. અંતની પંક્તિઓ પણ Superb…
જગમાં “ચાતક” એનો જોટો જડે (જ) નહીં…
પ્રેમની એ મોંઘેરી મૂરત મળે(પણ) નહીં…
લાગણીના પૂળાઓ બાંધીને હૈયામાં રાતોના રાતો એ સેવામાં જાગ્યા,
શ્વાસે શ્વાસ પ્રભુ જાપ્યા…બા મારા
અને વારસામાં ચાતક જેવો પુત્રરત્ન આપ્યો ..
god bless You.. Jay shree Krishna…
આ’ ચાતક’નો પણ જોટો જડે તેમ નથી.
દક્ષેશભાઇ ! ‘પારોઠ’નો અર્થ કહેવા વિનંતી.
આભાર ! પૂજ્ય બાને પણ મારા પ્રણામ !!!
(પારોઠનો અર્થ પાછાં પગલાં ભરવા, પીઠ બતાવવી કે પલાયન થઈ જવું એવો થાય – admin)
ચાળી ચાળીને વરસો તોય નથી થાક્યા આ હાથ; આઘા રહીનેય દેશે આશિશ તમને અપરંપાર …..
સરસ લાગણીસભર ગીત..એક ફિલ્મની લાઇન યાદ આવી ..કે સબ માયેં દુનિયામે એક સમાન હોતી હૈ ક્યા?
સપના
પંચમભાઈ, આપની ફરમાઈશ પર ગીતનું પઠન અને સહજ ગાન બંને ઉમેર્યા છે …
દક્ષેશભાઇ,
મારા બા વિશેની કવિતાસંગ્રહમાં એક કવિતાનો ઉમેરો થયો..
ખુબ ખુબ આભાર….
સુંદર રચના. અભિનંદન.
ધન્ય માતા-પિતા, એવો જ ધન્ય “સુપુત્ર”!
આપના આ ગાનમાં અમે પણ જોડાઈએ છીએ. કારણ, ૧૯૮૬માં પહેલીવાર જ્યારે વિદ્યાનગર આવ્યો ત્યારે “પારકા” હતાં. પણ તે દિવસથી મને “પોતાનો” કરી લીધો છે! હાલતા ચાલતા આ પરમાર્થી દેહને અમે તો શું આવકાર આપી શકીએ?
તો પણ કહીશું “ભલે પધાર્યા”!
દક્ષેસભાઇ… ખરેખર ખુબ જ ભાવવાહી ગીત આપે રજુ કર્યું…. અને સાથે પુ.બાનો ફોટો પ્રેમાળ …તમે તો યાર આજે હલાવી નાખ્યાં…. 2007માં મને મૂકીને મારી મમ્મી ચાલી ગઈ તે આજે યાદોનું ઘોડાપુર બની આવ્યું … તમે તો યાર એવા ભુતકાળમાં જઈ પટકી દીધા કે આજ બધા જ બંધન તુટી ગયા…. આંખો એની મર્યાદા ચુકી ગઈ …. નસીબદાર છો દોસ્ત કે આજ આપને તેમનું સાનિધ્ય છે….ખુબ જ સેવા કરજો.
ઘડપણમાં વેદનાઓ મળવાને આવી,
દીકરી ગણી બાએ હૈયે લગાવી,
મોતિયો ભલે, બાની આંખેથી મોતીઓ આંસુ બનીને ઝટ્ટ કોદિ ના આવ્યા,
પગલાં પારોઠ ના માપ્યા … બા મારા
લાગણી પ્રધાન રચના દિલમા કસક લાવી ગઇ ..
તમને સ્ફૂરેલા લયમાં આનું સહજ ગાન/ગણગણાટ પણ મૂકવા જેવું છે.
ખૂબ સુંદર લાગણીથી ભર્યું ભર્યું ગીત. એક સહજ કવિતા. કદાચ તમારી ઉત્તમ કુદરતી કવિતાઓમાં આને મૂકી શકાય.
મને મારી મા યાદ આવી ગઈ. સરસ માતૃપ્રેમથી ભીંજાવે એવી રચના. અભિનંદન!
ધારેલા તીર બધા તાક્યા…….
ખૂબ જ લાગણીસભર રચના !
બા વિષેની તમારી ઉમદા લાગણીને વંદન !
અભિનંદન.
તમે નસીબદાર છો. મારે તો એકેય રહ્યાં નથી, કોને બોલાવવા? બા વિષેની તમારી લાગણી ઉમદા છે અને તેમાં લય છે, ગતિ છેઃ તમને ચાર જ નહીં અનેક વાર આવવાની ઇપ્સા થાય તેવી પ્રાર્થના…
સુંદર..લાગણીસભર રચના. વાંચતા ગળગળા થઈ જવાયું. અભિનંદન.
સમયની ચારણીમાં દિવસો, મહિના અને વરસો ચળાતાં રહે છે. કોઈનું પણ શરીર હંમેશ માટે યુવાન નથી રહેતું. બાના શરીરમાં પણ હવે પહેલાંના જેવું જોમ કે સ્ફુર્તિ નથી, છતાં મનના ઉત્સાહ-ઉમંગમાં કમી નથી આવી, એમ કહો કે એમણે નથી આવવા દીધી. હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા – એમ કહી ઘરના બધાં જ કામ એકલે હાથે ઉપાડી લેતાં એમને કામ કરતાં અમારે રોકવા પડતાં. સગાં-સ્નેહીનાં સામાજિક કાર્યો હોય કે આકસ્મિક હોસ્પિટલનાં તેડાં, મરદની માફક અડધી રાતે આનાકાની વગર, સહાય કરવા સદા તત્પર રહેનાર, જીવનભર કેટલાયની હાશ લેનાર, કેટલાયનો ટેકો થનાર માતાની શારિરીક સ્વસ્થતા અને ખુદ્દારી અંત સુધી કાયમ રહે અને એમની હયાતિનો ઉત્સવ સદૈવ ચાલતો રહે એવી પ્રભુને પ્રાર્થના. માતા-પિતા ચોથી વાર અમેરિકા આવી રહ્યા છે, પણ અહીં આવવું એમને માટે ઉત્તરોત્તર મુશ્કેલ થતું જાય છે. એ ભાવજગતમાંથી આ રચનાનો ઉદભવ થયો ..