ચાલ રવિકિરણોનાં માળામાં જઈને એક ક્ષણનાં પારેવડાંને શોધીએ,
ધુમ્મસના દરિયામાં ઘટના ખોવાઈ, જરા હળવે જઈ એને ઊલેચીએ.
ફુંદરડે ફરતાતાં, મંદિરની પાળ અને પિપળના પાન હજી યાદ છે,
છલકાતી ગાગરમાં મલકાતું જોબન ને ઉઘડેલો વાન હજી યાદ છે,
ગજરામાં ગૂંથેલા મોગરાની કળીઓને સંગ સંગ આજ ફરી મ્હોરીએ … ચાલ
પરભાતે પાંપણ પર સૂરજના કિરણોની પાથરી પથારીઓ હેતની,
દરિયાના મોજાં ને ભરતી ને ઓટમહીં વહીએ થઈ મુઠી-શી રેતની,
છીપલાંની છાતીમાં છૂપેલાં મોતી સમ સૂતેલાં સોણલાંને ગોતીએ … ચાલ
આ વહેવું એ જળ અને મળવું એ પળ તો જલધિની ઝંખના શું કામની ?
કોયલ ના ટહુકે જો આંબાની ડાળ તો એ મ્હોરેલી મંજરી શું કામની ?
હર્ષ અને શોકના વાદળાંઓ કાજળ સમ ‘ચાતક’શી આંખોમાં આંજીએ … ચાલ
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
અફલાતૂન!
ધૂમ્મસના દરિયામાં અને છીપલાંની છાતીમાં તો વળી જળ, પળ અને જલધિની આ અલૌકિક કલ્પનાના વિશાળ સાગરને “ચાતકે” ગાગરમાં ભરી દીધો!
ગજરામાં ગૂંથેલા મોગરાની કળીઓને સંગ સંગ આજ ફરી મ્હોરીએ ….અથવા
કોયલ ના ટહુકે જો આંબાની ડાળ તો એ મ્હોરેલી મંજરી શું કામની..
અસલ ગુજરાતી સ્પર્શથી મહેંકતું ગીત બહુ જ ગમ્યું
તમારી ઈચ્છાઓ ગમી ..કાશ કે ઇન્સાન બધું રિવાઇન્ડ કરીને ભૂતકાળમાં જઈ શકે તો ઘણી ભૂલો સુધારી શકે..અને દુનિયા સ્વર્ગ જેવી કરી શકે..
સપના
લય અને તળભૂમીની સુગંધથી ભર્યું ભર્યું સુંદર ગીત.
સુંદર લયબદ્ધ્, ગણગણવાનું મન થાય તેવૂં ગીત…
વાહ! બહુ સરસ ભાવ, શબ્દોનો વણાટ.
સરયૂ પરીખ
વાહ ..!!…આ વહેવું એ જળ અને મળવું એ પળ તો જલધિની ઝંખના શું કામની ?
કોયલ ના ટહુકે જો આંબાની ડાળ તો એ મ્હોરેલી મંજરી શું કામની ?
સુન્દર લયબદ્ધ રચના …!! … દરેક શબ્દનો સમન્વય પણ સુન્દર..!
આ વહેવું એ જળ અને મળવું એ પળ તો જલધિની ઝંખના શું કામની ?
કોયલ ના ટહુકે જો આંબાની ડાળ તો એ મ્હોરેલી મંજરી શું કામની ?
સુંદર ભાવ અભિવ્યક્તી.
સુંદર રચના અને ખુબ જ ઉમદા કલ્પન, ભુતકાળ વાગોળવાની મજા કંઇ ઓર જ છે.
વાહ….!
પ્રવાહિત અને સંવેદનાથી તરબતર ગીત, ભાવ અને અભિવ્યક્તિ બન્ને સરસ રહ્યા.
ક્ષણના પારેવડાંને શોધવાની વાત સ્પર્શી ગઈ…સુંદર ગીત
સુંદર રચના !
ગીતનો લય ખૂબ ગમ્યો.
વારંવાર ગણગણવું ગમે તેવું ગીત !
અભિનંદન !
શબ્દોની સજાવટ અને લયની મઝાની રમઝટના સારા કોંટ્રાક્ટર છો તમે… એ આજે આ રચનાથી સાબિત કરી દીધું છે ..વાહ વાહ અભિનંદન.
ખળખળ વહેતા ઝરણા જેવું મસ્ત ગીત.