Press "Enter" to skip to content

Month: July 2011

આવી તો જુઓ

સ્વપ્ન થૈ મારા નયનમાં આપ આવી તો જુઓ,
જે નથી ધાર્યું કદી તે આજ ધારી તો જુઓ.

શક્યતાઓ શૂન્ય હો ત્યારે જ સર્જનની મજા,
કલ્પનાની પાંખને થોડી પસારી તો જુઓ

કેટલું બેચેન મળવા હોય ભમરાનું જીગર,
જાણવા કો’દિ કમળદલમાં પધારી તો જુઓ

રાતદિ વહેતાં રહ્યાં નરસિંહ-મીરાંની આંખમાં,
એ વિરહના અશ્રુઓ, બે-ચાર સારી તો જુઓ.

આ ઝૂરાપાની વ્યથા શું હોય તેને જાણવા,
શ્વાસ ‘ચાતક’ કોઈના નામે ઉધારી તો જુઓ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

12 Comments

પ્રતીક્ષા અને મિલન

આપના ન આવવાથી રાત થઇ ગઈ,
આપ જો આવી ગયા તો ખાસ થઇ ગઈ.

સાંજ પડતાં આંગણામાં દીવડા મૂકી દીધાં,
દીપના રૂપે હૃદયના ટુકડાં મૂકી દીધાં,
ઈંતજારીની બધી હદ પાર થઈ ગઈ,
આંખની ભાષા પછી ઉદાસ થઈ ગઈ.

શ્વાસ ને પ્રશ્વાસમાં બસ આપ ઘૂંટાતા રહ્યા,
સંસ્મરણ વીતેલ પળનાં કૈંક ચૂંટાતા રહ્યા,
ફૂલ ચૂમી શબનમો પણ લાશ થઈ ગઈ
રાતરાણીની મહેક પણ ત્રાસ થઈ ગઈ.
…………
…………
આખરે આવી પધાર્યા આપ મારા દ્વાર પર,
સામટા ખીલી ઉઠ્યા સો સો ગુલાબો ડાળ પર,
સાવ સુક્કી ડાળખીઓ બાગ થઈ ગઈ,
લાગણીઓ પળમહીં વરસાદ થઈ ગઈ.

આપણે સરતા રહ્યા કોઈ અગોચર ઢાળ પર
રેશમી રંગો વણાયા સપ્તરંગી સાળ પર
મેઘવર્ષા ખુદ ધરાની પ્યાસ થઈ ગઈ,
જિંદગી ‘ચાતક’ મધુર અહેસાસ થઈ ગઈ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

નોંધ – ગીતનો ઢાળ કંઈક અંશે આ ફિલ્મીગીત પર આધારિત છે.

12 Comments

આંસુ કદી દેખાય ક્યાં ?

ભીંતમાં દરિયો ફુટે તો રેતના ઘર જાય ક્યાં ?
લાગણી છતથી ચૂએ તો એ તડો સંધાય ક્યાં ?

ફુલને પાંખો મળે તો જાય એ ભમરા કને,
કંટકોની દોસ્તી પળવાર પણ છોડાય ક્યાં ?

ચોતરફ વંટોળ વચ્ચે દીપ શ્રદ્ધાનો જલે,
તેલ એમાં હરઘડી વિશ્વાસનું પૂરાય ક્યાં ?

ભૂલવાના કૈં પ્રસંગો કેમ ભૂલાતા નથી,
ભૂલ સમજાવા છતાંયે આદમી પસ્તાય ક્યાં ?

એક અણધાર્યા મિલનની શક્યતા જીવે હજુ,
શક્યતા સઘળી હકીકતમાં કદી પલટાય ક્યાં ?

બારણાં અવસર બની ‘ચાતક’ પ્રતીક્ષામાં ઊભાં,
તોરણોની આંખમાં આંસુ કદી દેખાય ક્યાં ?

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

17 Comments

સાવ સસ્તો હોય છે

હાથતાળીને સમજતો હોય છે,
બંધનોમાં તોય ફસતો હોય છે.

આત્મઘાતી આદમી પણ આખરે,
જિંદગી બીજી તલસતો હોય છે.

ઢાઈ અક્ષરમાં સમાવે છે કવિ,
પ્રેમ તો અનહદ વરસતો હોય છે.

ધોધમાં નાહ્યા પછી પણ માનવી
પ્રેમની બુંદો તરસતો હોય છે

એ હશે છોડી જવાની વેદના,
મોતનો ભય તો અમસ્તો હોય છે.

મોકળા મનથી રડી લેનારનો,
એક ચ્હેરો ખૂબ હસતો હોય છે.

દોસ્ત, મોંઘા મોલની ઈન્સાનિયત,
આદમી તો સાવ સસ્તો હોય છે.

કોઈના હૈયા સુધી પ્હોંચી જવા,
આંખ ચાતક સ્હેલ રસ્તો હોય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

14 Comments

હારતાં શીખ્યો નથી

તસવીર – હિમાચલ પ્રદેશના પરંપરાગત પોશાકમાં.
(હિડીમ્બા ટેમ્પલ, મનાલી, 2010)

હું હજીયે સ્વપ્નમાંથી જાગતાં શીખ્યો નથી,
વાસ્તવિકતાની ધરા પર ચાલતાં શીખ્યો નથી.

આંખમાં રેલાય એની ચાંદની આઠે પ્રહર,
ચાંદને કેવળ ધરા પર લાવતાં શીખ્યો નથી.

તૂટતાં બહુ દર્દ આપે છે સંબંધો પ્રેમનાં,
ગાંઠ મારીને કદી હું બાંધતા શીખ્યો નથી.

હર્ફ ઉચ્ચાર્યા વિના તું આપ, જો આપી શકે,
પોટલી તાંદુલ લઈને આવતાં શીખ્યો નથી.

ઓ ખુદા, ઓકાત મારી ક્યાંક ઓછી ના પડે,
પગ પ્રમાણે હું પછેડી તાણતાં શીખ્યો નથી.

કોઈ દિ’ ફુરસદ મળે તો આવજે મારા ઘરે,
હુંય ‘ચાતક’ છું, સહજમાં હારતાં શીખ્યો નથી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

18 Comments

વિરહ-વ્યથા

રાત બારીની નીચે રડતી રહી,
વેદનાઓ દ્વારને છળતી રહી.

સાંજને આંગણ ઉદાસીનાં સૂરજ,
આંખમાં પરછાંઈઓ ઢળતી રહી.

ચાંદની પાલવ પ્રસારી ના શકી,
આગિયાઓની દુઆ ફળતી રહી.

આયખાના અંતની લઈ આરજૂ,
એક મીણબત્તી પછી બળતી રહી,

સ્પર્શનો ઉજાસ પ્હોંચે ક્યાં લગી,
રોશનીમાં લાગણી જલતી રહી.

શૂન્યતાનાં બારણાં ખખડ્યાં કર્યાં,
સ્તબ્ધતાઓ કોઈને નડતી રહી.

આંખમાં ‘ચાતક’ હતી તસવીર ને,
ફ્રેમ શ્વાસોને સતત જડતી રહી.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments