*
આજે એક લોકગીત. હૈયાની લાગણીઓને વાચા આપવાનું સૌથી સુંદર માધ્યમ એટલે ગીત. પહેલાના સમયમાં જ્યારે ટીવી, રેડિયો કે વર્તમાનપત્રો નહોતા ત્યારે લોકો ભેગા મળી પ્રસંગને અનુરૂપ કે વિવિધ ભાવોને અનુરૂપ ગીતો ગાતાં. એ રચનાઓ લોકજીભે વહેતી થઈ લોકોના હૈયામાં સ્થાન પામતી. આજે માણો એવી જ એક સુંદર રચના. (નવાણ=જળાશય, કૂવો વાવ કે તળાવ).
(નોંધ – સ્વરબદ્ધ થયેલા ગીતના શબ્દો અક્ષરશઃ મૂળ ગીતના શબ્દોને મળતા નથી. વળી એની અમુક કડીઓ જ ગવાઈ છે. અહીં આખું ગીત પ્રસ્તુત કરેલ છે.)
*
આલ્બમ: ઝીણાં મોર બોલે; સ્વર: લાખાભાઈ ગઢવી
*
બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, નવાણે નીર નો આવ્યાં જી રે
તેડાવો જાણતલ તેડાવો જોશી, જોશીડા જોશ જોવડાવો જી રે
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, ‘દીકરો ને વહુ પધરાવો જી રે’
‘થોડા ખીલવતા વીર અભેસંગ! દાદાજી બોલાવે જી રે’
‘શું રે કો’ છો મારા સમરથ દાદા, શા કાજે બોલાવ્યા જી રે
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, દીકરો ને વહુ પધરાવો જી રે
‘એમાં તે શું મારા સમરથ દાદા, પારકી જણીને પૂછી આવો જી રે’
‘બેટડો ધરાવતા વહુ રે વાઘેલી વહુ, સાસુજી બોલાવે જી રે ’
‘શું રે કો’ છો મારા સમરથ સાસુ, શા કાજે બોલાવ્યા જી રે?’
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, ‘દીકરો ને વહુ પધરાવો જી રે’
‘એમાં તે શું મારા સમરથ સાસુ, જે કે’શો તે કરશું જી રે’
‘ભાઈ રે જોશીડાં, વીર રે જોશીડા, સંદેશો લઈ જાજો જી રે’
‘મારી માતાને એટલું જ કહેજો, મોડિયો ને ચુંદડી લાવે જી રે’
‘ઊઠો ને મારા સમરથ જેઠાણી, ઊનાં પાની મેલો જી રે’
‘ઊઠો ને મારા સમરથ દેરાણી. માથા અમારાં ગૂંથો જી રે’
‘ઊઠો રે મારા સમરથ દેરીડો, વેલડિયું શણગારો જી રે’
ઊઠો રે મારા સમરથ નણદી, છેડાછેડી બાંધો જી રે’
ઊઠો રે મારા સમરથ સસરા, જાંગીડા ઢોલ વગડાવો જી રે
‘આવો, આવો મારા માનસંગ દીકરા, છેલ્લા ધાવણ ધાવો જી રે’
પુતર જઈ પારણે પોઢાડયો, નેણલે આંસુડાની ધારું જી રે
પહેલે પગથિયે જઈ પગ દીધો, પાતાળે પાણી ઝબક્યા જી રે,
બીજે પગથિયે જઈ પગ દીધો, કાંડે તે બૂડ પાણી આવ્યા જી રે
ત્રીજે પગથિયે જઈ પગ દીધો, કેડ સમાં નીર આવ્યાં જી રે
ચોથે પગથિયે જઈ પગ દીધો, છાતી સમાં નીર આવ્યાં જી રે
પાંચમે પગથિયે જઈ પગ દીધે, પરવશ પડિયા પ્રાણિયા જી રે
‘એક હોકાંરો દ્યોને અભેસંગ, ગોઝારા પાણી કોણ પીશે જી રે’
‘પીશે તે ચારણ, પીશે તે ભાટો, પીશે અભેસંગ દાદોજી રે’
‘એક હોકારો દ્યો ને વાઘેલી વહુ, ગોઝારો પાણી કોણ પીશે જી રે?’
‘પીશે તે વાણિયા, પીશે તે બ્રાહ્મણ, પીશે તે વાળુભાના લોકો જી રે’
તરી છે ચૂંદડી ને તર્યો છે મોડિયો, તરિયા અભેસંગના ખોળિયા જી રે.
ગાતાં ને વાતાં ઘરમાં આવ્યાં, ઓરડા અણોસરા લાગે જી રે
વા’લા હતાં તેને ખોળે બોસાડ્યાં, દવલાં ને પાતાળ પૂર્યા જી રે.
[ફરમાઈશ કરનાર મિત્ર – અંતિમ પંચાલ]
અદ્ ભુત………
ભાઈબેનનું ગીત સંભળાવો ને ?
[ સાંભળો કોણ હલાવે લીમડી …- admin]
ભાઈબેન ચાલ્યા રે મોસાળ મામી દુખ દે અપાર
હો રે માડિના જાયા બેનીના મેણા મારે ભાગવા રે……….
આ ગીત માટે કહેલું.
મળે તો ટ્રાય કરજો….જય શ્રી ક્રિશ્ના.
વર્ષો પહેલા શ્રી લાખાભાઈ ગઢવીને મારા પૂ. પિતાશ્રીના ઘરે ડાયરામાં સાંભળેલા.
દિકરીની વિદાયનો પ્રસંગ તેમના અનેક ગીતોમાંનું એક છે. બને તો તે મૂકવા વિનંતિ.
કાચી રે માટીનું કોડિયુ આ કાયા ઝબકી ઝબકીને બુઝાવાનું રે … વર્ષો પહેલા સાંભળેલું. બને તો તે મૂકવા વિનંતિ. પ્રમાણીત ગીત મળે તો અને કોણ ગાયક છે જનાવશો.આ ગીત મને અતિ પ્રિય છે.
વાલા હતા તેને ખોળે બેસાડ્યા દવલા ને પાતાળ પુર્યા જી રે ..
આ ગીતમાં વડીલોનું માન રાખવા સન્તાનોનું બલિદાન અને લોકકલ્યાણની ભાવના સમાઇ છે તો પૂરું ગીત માણવા મળે તેવી સગવડ કરવા વિનંતી.
આ ગીત સાઈટ પર મુકવા માટે ખુબ ખુબ ધન્યવાદ. જો બની શકે તો ‘મને વરસાદ ભીંજવે’ ગીત મૂકવા વિનંતી…
“બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, નવાણે નીર નો આવ્યાં જી રે”
આ કયા છંદ માં છે, તે છંદનું શું નામ છે તે કોઇ ને ખબર હોય તો જણાવવા વિનંતિ.