[audio:/yatri/reti-na-saat-saat-dariya.mp3|titles=Reti na saat saat dariya|artists=Raju Yatri]
(તરન્નુમ – રાજુ યાત્રી)
રેતીના સાત-સાત દરિયા ઉલેચીને નીકળ્યા છે આંસુના વ્હાણ,
હવે ડમરી કે ઢૂવાને પડતા મેલીને તમે પાંપણને સોંપો સુકાન.
ઝંખનાના ઝાંઝવાઓ જીવતરની કેડી પર ચાહો ન ચાહો પણ આવતા,
ઈચ્છાના મેઘધનુ સપનાંની વારતામાં મનચાહા રંગો રેલાવતા,
આતમના આંગણિયે કોના આ પડછાયા આવીને બાંધે મકાન ?
… રેતીના સાત સાત દરિયા.
મ્હોરેલી જૂઈ જેમ મ્હોરે અજંપો તો વધવાની વેલ જેમ વેદના,
બાવળના કાંટાઓ હૈયામાં ખૂંપે તો યાદોના ગામ બળે કેમ ના ?
ભવભવના સંબંધો અધવચ્ચે તૂટીને પીડામાં પૂરે છે પ્રાણ.
… રેતીના સાત સાત દરિયા.
દૃશ્યોના પરદાઓ ફાડીને ‘ચાતક’શી આંખોએ કરવાનું હોય શું ?
શ્વાસોની આવ-જા શીતળ પવન નહીં, રગરગમાં ફૂંકાતો કોઇ લૂ,
સાજન વિનાનું ઘર, ઉંબર, અરીસો કે આયખું આ આખું મસાણ.
… રેતીના સાત સાત દરિયા.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
10 Comments