પીપળ પાન ખરંતા, હસતી કુંપળીયા,
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.
જનરેશન ગેપને કારણે વૃદ્ધો અને વૃદ્ધાવસ્થાની ઉપેક્ષા કે અનાદર કરનાર યુવા પેઢીને વિચારવા મજબૂર કરે એવી સુંદર ગઝલ માણીએ.
*
સ્વર- મનહર ઉધાસ, આલ્બમ-અસ્મિતા
*
પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું,
મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું.
તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ ક્યાં છે?
મનાવી લેશો હું એવી ગણતરીથી રૂઠેલો છું.
ના કોઈ નોંધ ના ઉલ્લેખ મારો થાય કિસ્મત છે,
મુગટની જેમ ક્યારેક મસ્તકે હું પણ રહેલો છું.
ઉપેક્ષાઓ જમાનાની સહી હસતે મુખે ‘અબ્બાસ’,
રહ્યું છે શીશ અણનમ પણ કમરથી તો ઝુકેલો છું.
– ગુલામ અબ્બાસ ‘નાશાદ’
8 Comments