Press "Enter" to skip to content

મૃત્યુ પછીની વાટ


મૃત્યુ પછી જીવની શી ગતિ થાય છે તે આપણને ખબર પડતી નથી. કહેવાય છે કે જો આપણે ખૂબ રોકકળ અને વિલાપ કરીએ તો દિવંગત આત્માની મરણોત્તર ગતિમાં રુકાવટ આવે છે. આપણી તીવ્ર સંવેદનાઓ એને મુક્ત રીતે ગતિ કરવા નથી દેતી. એ વાત કેટલી સાચી છે એ ખબર નહીં પરંતુ નઝિરની આ રચનામાં કંઈક એવું કહેવાયું છે કે મૃત્યુ પછીની વાટ વિકટ ના બનાવવી હોય તો આંસુ ન વહાવશો. જો કે બીજી પંક્તિમાં એના કારણનું ઉદઘાટન થયું છે કે જીવનમાં દુઃખ સિવાય કાંઈ ન હતું, સુખના પ્રસંગો ગણ્યાગાંઠા જ હતા. એવી જિંદગી માટે શું રડવું !
*
સ્વર- મનહર ઉધાસ, આલ્બમ: સૂરજ ઢળતી સાંજનો

*
મૃત્યુ પછીની વાટ વિકટ ના બનાવજો,
મારા મરણમાં કોઈ ન આસું વહાવજો.

બાળકને એક-બેની રજૂઆત ના ગમે,
તો એને મારા સુખના પ્રસંગો ગણાવજો.

સંપૂર્ણ કરવી હોય જો વેરાની કોઈની,
તો મુજ અભાગિયાને નયનમાં વસાવજો.

ત્યાંથી કદાચ મારે અટકી પણ જવું પડે,
મારી કશીય વાતને મનમાં ન લાવજો.

જીવન સ્વપ્ન સિવાય બીજું કાંઈ પણ નથી,
એ માન્યતાથી મારા જીવનમાં ન આવજો.

હું બેખબર રહું છું હવે મારા હાલથી,
કંઈ જાણવા સમું હો તો મુજને જણાવજો.

કહે છે તમારું સ્થાન નથી કયાંય પણ ‘નઝિર!
મક્તાથી આ વિધાનને ખોટું ઠરાવજો.

– નઝિર ભાતરી

2 Comments

  1. kanchankumari parmar
    kanchankumari parmar August 29, 2009

    કોઇ કવિની પંક્તિયો યાદ છે કે; જેવું જીવન મળ્યું, જીવી નાખ્યું; ઝેર, સરબત, બધું જ પી નાખ્યું……

  2. pragnaju
    pragnaju February 14, 2009

    જીવન સ્વપ્ન સિવાય બીજું કાંઈ પણ નથી,
    એ માન્યતાથી મારા જીવનમાં ન આવજો.
    સરસ
    યાદ આવી
    ઇચ્છીત પામો આ જીવનમાં
    ઈશ્વરને કદી મંઝુર નથી
    ન ભાવતાને ભાવતું કરો
    પ્રયત્નથી કશું મુશ્કેલ નથી

    હિંમતે મર્દા તો મદદે ખુદા
    એ ઉક્તિ પર દિલ ફીદા
    આનંદો આ જીવનમાં સદા
    કિરતારના છે મૂક વાદા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.