*
આલ્બમ: હસ્તાક્ષર, સંગીત: પરેશ ભટ્ટ, સ્વર: શ્યામલ મુન્શી
*
એક વાર યમુનામાં આવ્યું’તું પૂર,
મથુરાથી એકવાર માથે મુકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર…એક વાર
પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો;
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો,
ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં, બાજી રહ્યા છે નુપૂર… એક વાર
ઝુકેલી ડાળી પર ઝુક્યું છે આભ કંઈ, જોવામાં થાય નહીં ભૂલ;
એવું કદંબ વૃક્ષ મહેંકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ,
પાણી પર અજવાળું તરતું રહે ને એમ, આંખોમાં ઝલમલતું નૂર… એક વાર
કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળીયાની, વેણ એક વાંસળીના વેણ;
મારગ તો મથુરાનો, પીંછુ તો મોરપિચ્છ, નેણ એક રાધાના નેણ,
એવા તો કેવા ક’હેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર… એક વાર
– માધવ રામાનુજ
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો….. બહુ સરસ વાતો વણાઇ છે
આખી ટીમ જ મઝાની
પરેશ ભટ્ટનું સંગીત, શ્યામલ મુન્શીનો સ્વરથી દીપી ઉઠતું માધવ રામાનુજનું સર્વાંગ સુંદર ગીત.
શુભ દીવાળી અને નૂતનવર્ષાભિનંદન.
નવું વર્ષ આપ સૌને સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃધ્ધિ સભર નીવડો એવી પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના.
સ્વર અને સંગીત પ્રેમી પિયરના ફળિયામાં, શેરીમાં કે પનઘટમાં વિતાવેલ બાલપણ ને જીવન્ત કરાવી ગયું….. આભાર માટે શબ્દ નથી.
નમસ્કાર.
ગુજરાતીમાં જોઈને ઘણો આનંદ થયો. ખુબ ખુબ આભાર.
પ્રગતિ કરો તેવી શુભેચ્છા.
Wonderful……શ્રાવણ માસના શુભ દિવસે કૃષ્ણજન્મની યાદ અપાવી.