મેડતાની ધરતી પર જન્મી, દાદા દુદાજી પાસે મોટી થઈ, કૃષ્ણભક્ત મીરાં ચિતોડના રાજ પરિવારમાં આવી. પણ પરણું તો પ્રિતમ પ્યારો .. કહી શ્રીકૃષ્ણ સાથે એણે સાત ફેરા ફરી નાખેલા. એથી રાજમહેલ એને માફક ન આવ્યો. પતિએ આ ઘેલી મીરાંની સાન ઠેકાણે લાવવા જાતજાતના પ્રયત્નો કરી જોયા, ત્રાસ આપી જોયો. પણ એથી તો મીરાંનો કૃષ્ણપ્રેમ છાપરે ચઢી બોલવા લાગ્યો. અંતે વૃંદાવનવાસી બની, ભક્તિની અનોખી ઉંચાઈ હાંસલ કરનાર મીરાં શ્રીકૃષ્ણમાં સમાઈ ગઈ. અહીં મીરાંના પ્રસિદ્ધ પદોમાંનું એક પદ, જે મીરાંની દિવાનગીને બખૂબીથી ચિતરે છે, સાંભળો દીપાલી સોમૈયાના સ્વરમાં.
*
*
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા … મુખડાની માયા
સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું
તેને તુચ્છ કરી દેવું રે, મોહન પ્યારા … મુખડાની માયા
સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું,
તેને તો શીદ યાચું રે, મોહન પ્યારા … મુખડાની માયા
પરણું તો પ્રિતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રાંડવાનો નાવે વારો, મોહન પ્યારા … મુખડાની માયા
મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી
સંસારથી રહી ન્યારી રે, મોહન પ્યારા … મુખડાની માયા
– મીરાંબાઇ
મીરાં માનવ હૃદયના ભાવના ઘરેણાં સમાન છે.
મીરાં માનવ હૃદયના હુંફાળો વાયરા સમાન હતી અને અક્ષરે છે.
શું મીરાંબાઇ ગુજરાતી જાણતા હતા ?
Beutiful bhajan one of my favorite.There are other Mira bhajans if posted people will enjoy especially mene govind leeno mol.