Press "Enter" to skip to content

એમ પણ બને


શાંતિની ઝંખનામાં માનવ બહાર ફાંફા માર્યા કરે છે, પણ ખરેખર તો શાંતિ પોતાની અંદર રહેલી છે. અહીં ખૂબ સુંદર રીતે કહેવાયું છે કે જે શોધવામાં આખી જિંદગી પસાર થાય એ પગની તળે હોય એમ પણ બને. આપણે ત્યાં કહેવત છે કે કાખમાં છોકરું અને ગામમાં શોધે .. તે આનું નામ.

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દીવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને.

– મનોજ ખંડેરિયા

3 Comments

  1. Darshan
    Darshan October 25, 2008

    હુ શોધતો હતો ફુલ અને ફુલ શોધતુ હતુ મને,
    શોધતા શોધતા ગયા દુર તો આવ્યા કને એમ પણ બને.. સરસ કાવ્ય રચના છે.

  2. Pragnaju
    Pragnaju October 25, 2008

    – મનોજ ખંડેરિયાની ખૂબ જાણીતી -સૌને ગમતી રચના વાંચી આનંદ. રવિએ આના પરથી રમુજી રચના કરેલી તે યાદ આવી

    શોધવા જાઓ પ્રેમ અને મળે મિત્ર, એમ પણ બને,
    ક્યારેક મિત્ર જ હોય પ્રેમ, એમ પણ બને.

    આંખમાં આવે આસું, પણ હોય એ ખુશીના, એમ પણ બને,
    ક્યારેક ઝેર જ બચાવે ઝેરથી, એમ પણ બને.

    લાગે શાંત પાણી,પણ હોય એકદમ ગેહરુ, એમ પણ બને,
    સુરત હોય ભોળી, પણ દિલનાં કપટી, એમ પણ બને.

    જાય સિંગ કિંગને લેવા,પણ પોતે જ કિંગ બની જાય, એમ પણ બને,
    હોય ગંગુ તેલી જ રાજા ભોજ, એમ પણ બને.

    હોય પોતે બ્રાહ્મણ, મિત્ર પીવડાવે દારુ,એમ પણ બને,
    હંસ ચાલે કાગડાની ચાલ,એમ પણ બને.

    [very entertaining – admin]

  3. Ashwin-Sonal
    Ashwin-Sonal October 27, 2008

    જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
    ને એ જ હોય પગની તળે એમ પણ બને

    શોધવા જાઓ પ્રેમ અને મળે મિત્ર, એમ પણ બને,
    ક્યારેક મિત્ર જ હોય પ્રેમ, એમ પણ બને.

    આંખમાં આવે આસું, પણ હોય એ ખુશીના, એમ પણ બને,
    ક્યારેક ઝેર જ બચાવે ઝેરથી, એમ પણ બને.

    ગજબના પ્રાસ બેસાડ્યા છે. સાચું કહું તો જિદગીમાં આવું જ બનતું હોય છે પણ આપણે આવી રીતે ગાઈ શકતા નથી તે જ વિષમતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: