ગુજરાતી સાહિત્યને અનેક યાદગાર રચનાઓ આપી થોડાં સમય પહેલાં જ અલવિદા કહી જનાર છ અક્ષરનું નામ રમેશ પારેખ. એમના નામથી ભાગ્યે જ કોઈ સાહિત્યરસિક અજાણ હશે. અનોખા ભાવ-સંવેદનો દ્વારા વાચકને એક અનોખી દુનિયાનો અનુભવ કરાવતી એમની રચનાઓ વારંવાર વાંચવાની મજા પડે તો એને સૂરમાં મઢેલી સાંભળવામાં કેવો આનંદ થાય ? આજે એમની એવી જ એક સુંદર રચના માણીએ.
*
આલ્બમ: હસ્તાક્ષર, સંગીત: શ્યામલ-સૌમિલ, સ્વર: પાર્થિવ ગોહિલ
*
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?
ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?
સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…
– રમેશ પારેખ
આ સ્વરબદ્ધ રચના યાદ અપાવવા બદલ આભાર દક્ષેશભાઇ … !
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…સરસ રચના
chakali ni hunf bhari chhatiye lakhi ne sakhi maro sandesh tane mokalu. R.Pa. ne kon bhule
હોય ભલે આકાશ તારી આંખોમાં તારો એક હુંએ છુ . સરસ રચના
કોઇ શબ્દ નથી.
આ અગાઉ હમણાંજ ‘ટહુકો’માં કવિશ્રી રમેશ પારેખનો, કવિશ્રી મનોજ ખંડેરિયાને શ્રધ્ધાંજલિ આપતો સુર સાંભળ્યો.
બન્ને સમ્રાટો એમનો વારસો ચાહકોને સોંપી ગયા.
આભાર.
અદ્ભુત કલ્પના..