આંખ ભગવાનનું આપણને મળેલું વરદાન છે. પણ એની કીંમત શું છે તેની ખબર જ્યારે દૃષ્ટિ ચાલી જાય ત્યારે થાય છે. દેખ્યાનો દેશ જ્યારે જતો રહે છે ત્યારે કલરવની દુનિયા એટલે કે માત્ર સાંભળીને આસપાસની દુનિયાને મને કે કમને માણવી પડે છે. પછી ભોમિયા વિના ડુંગરાઓ ભમવાની જાહોજલાલી જતી રહે છે પરંતુ કર્ણથી કોઈના પગરવને તો માણી જ શકાય છે. દૃષ્ટિઅંધતાનો સાહજિક અને આગવો સ્વીકાર એ આ રચનાનું સબળ પાસું છે.
દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ !
પણ કલરવની દુનિયા અમારી !
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
ને તોય પગરવની દુનિયા અમારી !
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હેરો બંધ પોપચામાં રંગોની ભાત,
લોચનની સરહદથી છટકીને રણઝણતું રૂપ લઈ રસળે શી રાત !
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના વૈભવની દુનિયા અમારી !
ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી નાતા આ સામટી સુગંધ,
સમા સમાના દઈ સંદેશા લ્હેરખી અડક્યાનો સાચવે સંબંધ !
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના અનુભવની દુનિયા અમારી !
– ભાનુપ્રસાદ પંડયા
ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી નાતા આ સામટી સુગંધ,
સમા સમાના દઈ સંદેશા લ્હેરખી અડક્યાનો સાચવે સંબંધ !
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના અનુભવની દુનિયા અમારી !
…ખૂબ જ ભાવવાહી રચના….આભાર
-મનીષા
પ્રજ્ઞાચક્ષુઓની હિંમતની તોલે કોઈ ન આવી શકે.
એમની સ્પર્શેન્દ્રિય નયનોનું અનોખું કાર્ય કરે છે
મધુર કંઠ અને સંગીતની સમજદારી એમના માટે કુદરતનું વરદાન છે.
કવિશ્રીને અભિનંદન.
આભાર.