Press "Enter" to skip to content

Category: માધવ રામાનુજ

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું


કલ્પનાના વૈભવથી છલોછલ અને મઘમઘ સુવાસે તરબોળ એક અજાણ્યું સગપણ સાંભરે પછી… એ સ્વપ્નસૃષ્ટિમાં વિહાર કરાવતું કવિશ્રી માધવ રામાનુજનું આ મધુરું ગીત સાંભળીએ કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં.
*
સ્વર- કવિતા કૃષ્ણમૂર્તિ, સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી, આલ્બમ- હસ્તાક્ષર

*
એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું, સોણલાની વાડી ઝાકમઝોળ;
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે; મઘમઘ સુવાસે તરબોળ,
સગપણ સાંભર્યું.

ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે પછીયે પથરાતું નામ,
સગપણ સાંભર્યું.

ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ;
સગપણ સાંભર્યું

– માધવ રામાનુજ

5 Comments

પાસેપાસે તો યે કેટલાં જોજન


સુખી અને પ્રસન્ન દાંપત્યજીવન સૌના નસીબમાં હોતું નથી. કેટલાક સંબંધો માત્ર ચાર ભીંત અને એક છતની નીચે રહેવા પૂરતાં જ સીમિત રહી જાય છે. પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ..માં એ કરુણતાને કેટલી કમનીયતાથી શાબ્દિક અભિવ્યક્તિ મળી છે. માણો માધવ રામાનુજ કૃત સુંદર અને કરુણ ગીત ભૂપિન્દર સિંઘ અને મિતાલી મુખર્જીના સ્વરમાં.
*

*
પાસેપાસે તો યે કેટલાં જોજન દૂરનો આપણો વાસ;
જેમ કે ગગન સાવ અડોઅડ તો ય છેટાં નો ભાસ.

રાત દિનો સથવાર ને સામે,
મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી;
આવકારાનું વન અડાબીડ,
બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી;
આંસુને દઈ દીધો છે ભવનો કારાવાસ.

ઝાડથી ખરે પાંદડું,
એમાં કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે;
આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે;
પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ.

– માધવ રામાનુજ

4 Comments

કન્યાવિદાય પછીનો ખાલીપો


લગ્ન સામાન્ય રીતે આનંદનો પ્રસંગ છે પરંતુ કન્યાવિદાય ભલભલાની આંખો ભીની કરી નાંખે છે. વરસો સુધી જે ઘરમાં મમતાના સંબંધે ગૂંથાયા હોય તે ઘરને પિયુના પ્રેમને ખાતર જતું કરવાની વિવશતા કન્યાના હૃદયને ભીંજવી નાંખે છે. આ કૃતિમાં કન્યાની વિદાય પછી સૂના પડેલ ઘરનું અદભૂત ચિત્રણ થયેલું છે. જેવી રીતે પંખી ઉડી ગયા પછી માળો સૂનો પડી જાય છે તેવી જ રીતે ઘર સૂનું થઈ જાય છે. “કુંવારા દિવસોએ ચોરીમાં આવીને ભૂલી જવાના વેણ માંગ્યા” માં અભિવ્યક્તિ શિખર પર હોય એમ લાગે છે. આ ગીત વાંચીને દરેક સ્ત્રીને પોતાની વિદાયનો પ્રસંગ યાદ આવી જશે. માણો આ હૃદયસ્પર્શી કૃતિ.

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

ખોળો વાળીને હજી રમતાં’તા કાલ અહીં, સૈયરના દાવ ન’તા ઊતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર, ફેર હજી એય ન’તા ઊતર્યા;
આમ પાનેતર પહેર્યુને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું થનગનતું ગાન ! … પરદેશી પંખી.

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં, પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચોરીમાં આવીને ભૂલી જવાનાં વેણ માગ્યાં !
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતુ ચોરી ગયું રે કોક ભાન ! … પરદેશી પંખી.

– માધવ રામાનુજ

4 Comments

એકવાર યમુનામાં


*
આલ્બમ: હસ્તાક્ષર, સંગીત: પરેશ ભટ્ટ, સ્વર: શ્યામલ મુન્શી

*
એક વાર યમુનામાં આવ્યું’તું પૂર,
મથુરાથી એકવાર માથે મુકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર…એક વાર

પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો;
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો,
ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં, બાજી રહ્યા છે નુપૂર… એક વાર

ઝુકેલી ડાળી પર ઝુક્યું છે આભ કંઈ, જોવામાં થાય નહીં ભૂલ;
એવું કદંબ વૃક્ષ મહેંકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ,
પાણી પર અજવાળું તરતું રહે ને એમ, આંખોમાં ઝલમલતું નૂર… એક વાર

કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળીયાની, વેણ એક વાંસળીના વેણ;
મારગ તો મથુરાનો, પીંછુ તો મોરપિચ્છ, નેણ એક રાધાના નેણ,
એવા તો કેવા ક’હેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર… એક વાર

– માધવ રામાનુજ

5 Comments