Press "Enter" to skip to content

Month: November 2009

હું નથી પૂછતો, ઓ સમય!


શૂન્ય પાલનપુરી મારા ગમતા શાયર. એમની ગઝલોમાં તત્વજ્ઞાન ડોકાય, એક ઊંડાણ જે વાચકને અચૂક સ્પર્શે. આજે એમની એક ગઝલ પ્રસ્તુત છે ..દર્દની લાગણીના ઘણા રૂપ છે … એ મારો મનગમતો શેર છે. જેના એક એક શેર પર દુબારા કહેવાનું મન થાય એવી આ સુંદર ગઝલને આજે માણીએ મનહર ઉધાસના કંઠે.
*

*
હું નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલાં?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલાં?

ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે,
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલાં?

દર્દની લાગણીના ઘણાં રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઇને ફરકતાં હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલાં?

પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસર થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલાં?

સ્વાર્થની આ તો છે ભક્તિલીલા બધી, આત્મપૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઇશ્વરને માટે મમત કેટલી, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલાં?

– શૂન્ય પાલનપુરી

[ફરમાઈશ કરનાર – પૂર્વી ]

7 Comments

ટેરવાનો સ્પર્શ


મિત્રો, ચાલો આજે માણીએ લાગણીમાં ઝબોળાયેલું ધ્રુવ ભટ્ટ રચિત એક મધુરું ગીત અમર ભટ્ટના સ્વરાંકનમાં.
*

*
ચાલ સખી, પાંદડીમાં ઝાકળના ટીપાંની જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય છે કે લાગણી ગણાય એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઉભો કંઠાર, જતાં આવતાં જુવાળ ભલે કોતરે;
સુખ સાથે આપણો તો જળનો સંબંધ, ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.
છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ, કાંઠો છોડીને હવે ઝૂકીએ;
પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ, સખી ચાલ ફરી જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ નતા દે’તા, એ વાતો અકબંધ મને યાદ છે;
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો, ને ઉપર આકાશ જેવો સાદ છે.
મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય, એવી લાગણીને કેમ રે ઉવેખીએ;
ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે, ચાલ સખી એક વાર મૂકીએ.

– ધ્રુવ ભટ્ટ

1 Comment

પાસેપાસે તો યે કેટલાં જોજન


સુખી અને પ્રસન્ન દાંપત્યજીવન સૌના નસીબમાં હોતું નથી. કેટલાક સંબંધો માત્ર ચાર ભીંત અને એક છતની નીચે રહેવા પૂરતાં જ સીમિત રહી જાય છે. પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ..માં એ કરુણતાને કેટલી કમનીયતાથી શાબ્દિક અભિવ્યક્તિ મળી છે. માણો માધવ રામાનુજ કૃત સુંદર અને કરુણ ગીત ભૂપિન્દર સિંઘ અને મિતાલી મુખર્જીના સ્વરમાં.
*

*
પાસેપાસે તો યે કેટલાં જોજન દૂરનો આપણો વાસ;
જેમ કે ગગન સાવ અડોઅડ તો ય છેટાં નો ભાસ.

રાત દિનો સથવાર ને સામે,
મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી;
આવકારાનું વન અડાબીડ,
બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી;
આંસુને દઈ દીધો છે ભવનો કારાવાસ.

ઝાડથી ખરે પાંદડું,
એમાં કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે;
આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે;
પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ.

– માધવ રામાનુજ

4 Comments

બને ખરું !


મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ રજૂ કરું છું. આશા છે એનું પઠન પણ આપને ગમશે.
*

*
અમથુંય ધારણાને છળવાનું બને ખરું,
એકાદ શક્યતાને ચણવાનું બને ખરું.

જેની કદી કરી ન હો જીવનમાં કલ્પના,
મૃગજળ મહીંય કો’દિ તરવાનું બને ખરું.

સ્થાપિત યુગો યુગોના રસમો રીતિ રિવાજ,
તોડી, ધનુષ વિનાયે વરવાનું બને ખરું.

સૂરજને ઝંખના છે જેની યુગો યુગોથી,
પૂનમના ચાંદને પણ અડવાનું બને ખરું.

અંતરના આયનામાં ઝૂકી જરા જુઓ તો,
અણધારી શખ્શિયતથી મળવાનું બને ખરું.

મુશ્તાક હો ભલેને પુરુષાર્થ પર તમે,
ક્યારેક શીશ ચરણે ધરવાનું બને ખરું.

‘ચાતક’ તમે ભલે હો સ્વાતિના ખ્વાબમાં,
સુક્કી ધરામાં કાયમી રહેવાનું બને ખરું.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

23 Comments

ક્ષમા કરી દે !


આજે માણો શૂન્ય પાલનપુરીની એક લાંબી બહેરની ગઝલ મનહર ઉધાસના સ્વરમાં.
*

*
તોફાનને દઈને અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે !
હોડીનું એક રમકડું, તુટ્યું તો થઇ ગયું શું ?
મોજાંની બાળહઠ છે, સાગર ! ક્ષમા કરી દે !

હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ,
પળપળની યાતનાઓ, પળપળની વેદનાઓ !
તારું દીધેલ જીવન, મૃત્યુ સમું ગણું તો,
મારી એ ધૃષ્ટતાને ઇશ્વર, ક્ષમા કરી દે !

કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની;
અર્થાત જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા,
પહેરી ઉદારતાનું બખ્તર, ક્ષમા કરી દે !

કાંટો છે લાગણીનો, વજનો છે બુધ્ધિ કેરાં,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ;
હે મિત્ર ! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે !

તું એક છે અને હું એક ‘શૂન્ય’ છું પરંતુ,
મારા જ સ્થાન પર છે નિશ્ચિત જગતનાં મૂલ્યો;
એથી જ ઓ ગુમાની ! જો હું કહું કે તું પણ
મારી દયા ઉપર છે નિર્ભર, ક્ષમા કરી દે !

– શૂન્ય પાલનપુરી

5 Comments

કહેવાય નહીં


આજે રમેશ પારેખની એક સદાબહાર ગઝલ સોલી કાપડીયાના સ્વરમાં.
*

*
આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં

સપનાંના છટક રસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો,
પણ પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં

દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

– રમેશ પારેખ

3 Comments