આજે મરીઝ સાહેબની એક મનગમતી ગઝલ. વરસો પહેલા જ્યારે એને પ્રથમવાર સાંભળેલી ત્યારથી જ મોઢે ચઢી ગઈ હતી. બધીયે મઝાઓ હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે….માં દૃશ્ય જગતની વાસ્તવિકતા .. તથા જીવન કે મરણ એ બંને સ્થિતિમાં… લાચારીની વાત એટલી સચોટ રીતે મનમાં ઉતરી જાય છે કે વાત નહીં.
*
સ્વર- મનહર ઉધાસ, આલ્બમ: આનંદ
*
સ્વર- જગજીતસિંઘ, આલ્બમ: જીવન મરણ છે એક
*
સ્વર- પુરુષોત્તમ ઉપાધ્યાય, આલ્બમ: કોશિશ
*
જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે,
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.
અહીં દુખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે,
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.
હ્રદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે,
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.
અમારા બધાં સુખ અને દુખની વચ્ચે, સમયના વિના કંઈ તફાવત ન જોયો,
બધીયે મજાઓ હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.
નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે,
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઈચ્છા વધારે વધારે.
અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી,
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે.
જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું,
નવા છે મુસાફિર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.
મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે,
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– ‘મરીઝ’
ખુબ જ સરસ રચના
જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફિર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.
Superb!! just superb! wah mariz saheb, wah!
સુંદર રચના ! દિલથી માણી.
ફરી ફરી સાંભળવાની ગમે તેવી રચના/ગાયકી
ધન્યવાદ
મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
વાહ મરીઝ! ક્યા બાત હૈ!
દક્ષેશભાઈ,જગજીતસિંહ ના સ્વરમાં પણ મૂકવા વિનંતિ.
[આ રચના ઘણાં વરસો પહેલાં મનહર ઉધાસના સ્વરમાં સાંભળેલી ને મનમાં વસી ગયેલી. જગજીતસિંઘે પણ ગાયેલી છે પણ મને મનહરના સ્વરમાં વધુ ગમે છે. તમારી ફરમાઈશથી એ જગજીતના સ્વરમાં પણ ઉમેરી છે. વળી આજે મારા કલેક્શનમાં ખાંખાખોળા કરતાં કોશિશ આલ્બમમાં પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં પણ મળી તો એને પણ ઉમેરી છે. – દક્ષેશ]
આ ગઝલ જગજીતસિંહ ના સ્વરમાં “જીવન મરણ છે એક” આલ્બમમાં પણ છે.
http://preetnageet.blogspot.com/2008/12/blog-post_22.html