28 સપ્ટેમ્બર, 1929ના રોજ જન્મનાર ‘ભારત રત્ન’ લતા મંગશેકર આજે એંસી વરસ પૂરા કરે છે ત્યારે સરસ્વતીના સદેહે અવતાર સમા લતાજીને સહુ વાચકો તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. 1942માં ફિલ્મ કારકીર્દિની શરૂઆત કરનાર સ્વર કિન્નરી લતાજીએ એમની લગભગ સાડા છ દાયકાની સફર દરમ્યાન વીસ જેટલી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા છે. બોલીવુડની એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો કંઠ આપ્યો છે. સૌથી વધુ ગીતો ગાવાનો રેકોર્ડ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ઘણાં વરસો સુધી એમના નામે રહ્યો હતો. (જો કે પછીથી કેટલાક લોકોના મત મુજબ આશા ભોંસલેએ એથી વધુ ગીત ગાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો) કુલ ત્રીસ હજારથી વધુ ગીતો ગાનાર લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં પણ કેટલાક યાદગાર ગીતો ગાયા છે. આજે એમાંનું એક ગીત સાંભળીએ.
*
*
હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી
મોતીડા નહીં રે મળે … હંસલા હાલો રે
આજથી પચીસ-પચાસ વરસ પહેલાં જે ગરબા ગવાતા હતા તે આજકાલ શોધ્યે જડે તેમ નથી. મા અંબાની આરાધના તથા એમને ગરબે રમવાનું આમંત્રણ આપવા સિવાય ગવાનારા મોટા ભાગના ગરબાઓ લોકગીત હતાં. ગરબાને બહાને બ્હેનો ભેગી મળી પોતાના મનની વાતોની આપલે કરતી. આજે એવો જૂનો, ઘણાં વરસોથી ગવાતો આવેલ ગરબો સાંભળીએ. એમાં વ્યક્ત થયેલ ભાવ ખુબ સુંદર છે, આપણને પ્રેમનો અદભુત સંદેશ આપે છે.
*
સ્વર: અનીતા ગઢવી
*
પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ,
જો કોઈ જાણે જગતમાં પછી જુદાં રહે નહીં કોઈ.
*
ઉત્તર જાજો, દખ્ખણ જાજો, જાજો દરિયા પાર
એવા મોતીસરને મેળે જાજો, લાવજો ઝીણી સેર … ઝીણાં મારુજી
લઈ જા એવા મલકમાં જ્યાં કોઈ ના વેરી હોય
હેતાળાં મમતાળાં દિલડાંના લ્હેરી હોય
આપણા મલકનાં માયાળુ માનવી, માયા લાગી જાય … ઝીણાં મારુજી
લઈ જા એવા મલકમાં જ્યાં પ્રીતના મંદિર હોય
પ્રીત્યું વિના બીજાની પૂજા કરે ના કોય
હેતના વ્હેતાં ઝરણાં હો ત્યાં કોઈ દિ ના સુકાય … ઝીણાં મારુજી
મોતી ભરેલા ચોકમાં રાધા રમે જ્યાં રાસ
એવું મંદિરીયું ગોતીને અમે કરીશું વાસ
સાત ભવના સાથી કેરા મનડાં લ્હેરે જાય … ઝીણાં મારુજી
આજકાલ નવરાત્રિ ચાલી રહી છે. નવરાત્રિ મા અંબાની આરાધનાનું પર્વ છે. પણ એ નિમિત્તે રમાતા ગરબાના મૂળ કમસે કમ યમુનાતટે ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે રમાયેલ રાસ જેટલા ઊંડા છે એટલે જ ગરબામાં કૃષ્ણ, રાધા અને ગોપીઓનો ઉલ્લેખ આવે છે. યમુનાને કાંઠે પોતાની બંસરીથી ગોપીઓને મંત્રમુગ્ધ કરનાર ભગવાન કૃષ્ણની વાત કરતો આ ગરબો આજે માણીએ.
*
સ્વર – અચલ મહેતા
આદ્યશક્તિ મા અંબાના મહિમાને ઉજાગર કરતું પર્વ એટલે નવરાત્રિ. નવ દિવસ મા ભગવતી, મા દુર્ગા એટલે કે શક્તિની, પૂજા, અર્ચના અને સ્તુતિપાઠ. જો કે નવરાત્રિમાં વ્રત-ઉપવાસ રાખવા, અનુષ્ઠાન કરવું, માતાજીને નૈવેદ્ય ચઢાવવું, આઠમને દિવસે હવન કરવો… એવું બહુ ઓછા ઘરોમાં જોવા મળે છે. કેટલાક સુખદ અપવાદો સિવાય આજકાલ તો ઠેકઠેકાણે પીઠ પાછળ ટેટુ ચીતરાવી, બેકલેસ બ્લાઉઝ પહેરી, લેટેસ્ટ ફેશનના અને દરરોજ અલગ અલગ ચણિયાચોળી પહેરી ફિલ્મી ગીતોની ધૂન પર ડીસ્કો ગરબા (ગરબા કહેવાય?) ગવાય છે. હજી એનાથી વધુ શું થાય છે તે લખવાનું મન થતું નથી. પણ આવે વખતે માતાજીને ખરા ભાવે સ્તુતિ કરીએ કે હે મા, દુર્બુદ્ધિને દૂર કરી સૌને સદબુદ્ધિ આપો. તમે આખા વિશ્વના જનેતા છો, અમે સૌ તમારા બાળકો છીએ. અમે સંસારચક્રમાં ફસાયા છીએ. આ મહાભવરોગમાંથી અમને સૌને ઉગારો. સાંભળો મને નાનપણથી જ ખુબ ગમતી વિશ્વંભરી સ્તુતિ બે અલગ સ્વરમાં.
*
*
*
વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.