મિત્રો, આજે સાંભળીએ મને ખુબ ગમતું એક પદ જેના શબ્દો અને ભાવ ખુબ જ હૃદયસ્પર્શી છે. વારંવાર સાંભળવાનું મન થાય તેવું આ પ્રાર્થના પદનો જૈન સ્તવનમાલા આલ્બમમાં સમાવેશ થયેલો છે.
*
સ્વર – નિશા ઉપાધ્યાય
આદ્યશક્તિ મા અંબાના મહિમાને ઉજાગર કરતું પર્વ એટલે નવરાત્રિ. નવ દિવસ મા ભગવતી, મા દુર્ગા એટલે કે શક્તિની, પૂજા, અર્ચના અને સ્તુતિપાઠ. જો કે નવરાત્રિમાં વ્રત-ઉપવાસ રાખવા, અનુષ્ઠાન કરવું, માતાજીને નૈવેદ્ય ચઢાવવું, આઠમને દિવસે હવન કરવો… એવું બહુ ઓછા ઘરોમાં જોવા મળે છે. કેટલાક સુખદ અપવાદો સિવાય આજકાલ તો ઠેકઠેકાણે પીઠ પાછળ ટેટુ ચીતરાવી, બેકલેસ બ્લાઉઝ પહેરી, લેટેસ્ટ ફેશનના અને દરરોજ અલગ અલગ ચણિયાચોળી પહેરી ફિલ્મી ગીતોની ધૂન પર ડીસ્કો ગરબા (ગરબા કહેવાય?) ગવાય છે. હજી એનાથી વધુ શું થાય છે તે લખવાનું મન થતું નથી. પણ આવે વખતે માતાજીને ખરા ભાવે સ્તુતિ કરીએ કે હે મા, દુર્બુદ્ધિને દૂર કરી સૌને સદબુદ્ધિ આપો. તમે આખા વિશ્વના જનેતા છો, અમે સૌ તમારા બાળકો છીએ. અમે સંસારચક્રમાં ફસાયા છીએ. આ મહાભવરોગમાંથી અમને સૌને ઉગારો. સાંભળો મને નાનપણથી જ ખુબ ગમતી વિશ્વંભરી સ્તુતિ બે અલગ સ્વરમાં.
*
*
*
વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.
આજે મહાશિવરાત્રી છે. તો એ નિમિત્તે શ્રી યોગેશ્વરજી રચિત ભગવાન શિવની સુંદર સ્તુતિ સાંભળીએ.
*
આલ્બમ: વંદે સદાશિવમ; સ્વર: આશિત અને હેમા દેસાઈ
*
સુહાયે મસ્તકે ગંગા, વળી મધુ ચંદ્ર માણે છે,
શરીરે પુષ્પની માળા સમા સર્પો સુહાયે છે.
પરમ શોભા બની જેની, લજાયે કામ જ્યાં લાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.
નથી ઐશ્વર્યની તુલના, પતિ બ્રહ્માંડના જે છે,
મધુર છે રૂપ જેનું તોય ત્યાગી રૂપમાં રહે છે.
સદાયે સિદ્ધ ને યોગીન્દ્ર જેને પૂજતા લાખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.
મહાકૈલાસના વાસી વળી આત્મા તણા રાગી,
ભર્યા કરુણા થકી ત્યાગી, છતાંયે ખૂબ વરણાગી.
બધીયે રિદ્ધિ સિદ્ધિ ભુક્તિ મુક્તિ ભક્ત પર નાંખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.
જગત કલ્યાણ કાજે જે હરખતાં નીલકંઠ થયા,
અનંગ કર્યો રતિસ્વામી, ઉમાની સાથ તોય રહ્યા.
ચરણ એ દેવ મારા મસ્તકે મધુરાં સદા રાખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.
તમે ના હોત તો ગંગા મળત ના મર્ત્ય આ જગને,
તમે ઝીલી શક્યા તેને જટામાં દિવ્યશક્તિ એ.
લભી તે દિવસથી ગંગા કરે છે પુણ્યમય લાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.
કરી મજ્જન અને જલપાન લોકો પુણ્ય મેળવતા,
બની ઐશ્વર્યશાળી ને સુખી ને વૈભવી બનતા.
બને છે દૂત યમના જેમની પાસે ખરે માખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.
કહે છે મૂર્ખ માનવ જડ તમોને તે કહે છોને,
નિહાળી પ્રેમ હાલો છો, વળી બોલો મધુર બોલે.
નથી વિશ્વાસ પણ જગને, જગતમાં લાખ છે શાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.
કરે જો પ્રાર્થના ભાવે, ભજે તમને સદા રાગે,
બને ના તો તમારૂં રૂપ પ્રેમી પાસ ના જાગે.
ભગતનો વ્યાજ સાથે પ્રેમ વાળી દો તમે આખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.
મહા ત્યાગી છતાંય ઉમા કરે સેવા તમારી તો,
વળી બ્રહ્માંડના પતિ છો, છતાં એકાંતવાસી છો.
ન સમજે મૂર્ખ જન તમને, મને ના ભ્રાંતિમાં નાંખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.
તમારી હો કૃપા મંગલમયી એ એક આશા છે,
ઉમા-શંકર તમારા દ્રષ્ટિ સુખની ફક્ત આશા છે.
સુણી પોકાર મારો આવજો પ્રેમે કરી પાંખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.
આજે એક ખુબ જ સુંદર પ્રાર્થનાગીત જે સૌએ અવશ્ય ક્યાંક તો સાંભળ્યું જ હશે ને ગાયું પણ હશે. ખાસ કરીને જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે તો આ પ્રાર્થનાગીત અચૂક ગાવામાં આવે. નરસિંહરાવ દિવેટીયાની આ અમર રચના આજે માણીએ.
*
[આલ્બમ: પ્રાર્થનાપોથી, પ્રકાશક – સૂરમંદિર ]