દુઃખ પડે ત્યારે માણસને ઈશ્વર યાદ આવે છે. એ વખતે માણસ ભગવાનને આજીજી, પ્રાર્થના કે ક્યારેક પ્રશ્નો પણ કરે છે. પણ અહીં કવિ નવી જ વાત લાવ્યા છે. તેઓ ભગવાનને કહે છે કે હે શેષશૈયા પર શયન કરનાર, કદી પૃથ્વી પર આવી બે ઘડી શ્વાસ તો લઈ જુઓ. તો તમને ખબર પડે કે આ જીવન જીવવું કેટલું મુશ્કેલ છે. માણો ભાવનગરના કવિ નાઝિર દેખૈયાની આ યાદગાર રચના મનહર ઉધાસના કંઠે.
*
*
ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો!
જીવનદાતા, જીવન કેરો અનુભવ તું કરી તો જો!
સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ ભગવન,
ફકત એકવાર કાંટાની પથારી પાથરી તો જો!
જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું,
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો!
નથી આ વાત સાગરની, આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા! તું સ્વયં એને તરી તો જો!
નિછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલ છે “નાઝિર”
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.
– નાઝિર દેખૈયા
[ ફરમાઈશ કરનાર – નિરાલી ]
7 Comments