આજથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. મા આદ્યશક્તિ જગદંબાના મહિમાને ઉજાગર કરતું આ પર્વ શક્તિનો મહિમા દર્શાવી તેની પૂજા કરવાનો સંદેશ આપે છે. બંગાળમાં દુર્ગાપૂજા પણ આજથી શરૂ થશે. ગુજરાતનું ભાતીગળ ગણાતો ગરબો એના શિખર પર ચઢી આજે શેરીએ શેરીએ અને મહોલ્લે મહોલ્લે ગાજશે. વડોદરા તો ગરબાની રાજધાની ગણાય. જમણી બાજુના મીડિયા પ્લેયરમાં તમે વડોદરાના સુપ્રસિદ્ધ ગરબાઓ અચલ મહેતા, અતુલ પુરોહિત અને સાથીઓના સ્વરમાં મન ભરીને માણી શકશો.
આજે નવરાત્રિ પર્વના પ્રારંભે સાંભળો અવિનાશભાઈની એક અમર કૃતિ.
*
સ્વર: વિરાજ અને બીજલ ઉપાધ્યાય
*
સૂના સરવરીયાને કાંઠડે હું
બેડલું મેલીને ન્હાવા ગઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી.
હું તો મનમાં ને મનમાં મુંઝાણી મારી સૈ,
શું રે કહેવું રે મારે માવડી ને જઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી…..સૂના સરવરીયા
કેટલુંયે કહ્યું પણ કાળજુ ના કોર્યું
ને ચોરી ચોરી ને એણે બેડલું ચોર્યું
ખાલીખમ બેડલાથી વળે ના કંઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી…..સૂના સરવરીયા
નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી
ને બેડલા નો ચોર મારે કેમ લેવો ખોળી
દઈ દે મારું બેડલું મારા દલડા ને લઈ
પાછી વળી ત્યારે બેડલુ નહી, બેડલુ નહી … સૂના સરવરીયા
– અવિનાશ વ્યાસ
6 Comments