Press "Enter" to skip to content

ક્ષમા કરી દે !


આજે માણો શૂન્ય પાલનપુરીની એક લાંબી બહેરની ગઝલ મનહર ઉધાસના સ્વરમાં.
*

*
તોફાનને દઈને અણછાજતી મહત્તા,
તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે !
હોડીનું એક રમકડું, તુટ્યું તો થઇ ગયું શું ?
મોજાંની બાળહઠ છે, સાગર ! ક્ષમા કરી દે !

હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ,
પળપળની યાતનાઓ, પળપળની વેદનાઓ !
તારું દીધેલ જીવન, મૃત્યુ સમું ગણું તો,
મારી એ ધૃષ્ટતાને ઇશ્વર, ક્ષમા કરી દે !

કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની;
અર્થાત જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા,
પહેરી ઉદારતાનું બખ્તર, ક્ષમા કરી દે !

કાંટો છે લાગણીનો, વજનો છે બુધ્ધિ કેરાં,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ;
હે મિત્ર ! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે !

તું એક છે અને હું એક ‘શૂન્ય’ છું પરંતુ,
મારા જ સ્થાન પર છે નિશ્ચિત જગતનાં મૂલ્યો;
એથી જ ઓ ગુમાની ! જો હું કહું કે તું પણ
મારી દયા ઉપર છે નિર્ભર, ક્ષમા કરી દે !

– શૂન્ય પાલનપુરી

5 Comments

  1. Dhruvraj Chudasama
    Dhruvraj Chudasama January 31, 2010

    અતિ સુંદર..

  2. Dhruvraj Chudasama
    Dhruvraj Chudasama February 7, 2010

    વારેવારે સાંભળવાની મઝા આવે છે.

  3. Rejoice
    Rejoice February 28, 2010

    ખુબ જ સુન્દર..

  4. Anila Patel
    Anila Patel May 8, 2013

    શ્રી શૂન્ય પાલનપુરીએ આ ગઝલમા સાગરમા નાવડીની જેમ શબ્દોને રમતા મૂકીને ખૂબજ સહજતાથી જીવનનુ ગહન ચિંતન વ્યક્ત કરી દીધુ છે,અને શ્રી મનહર ઉધાસના કોમળ અવાજમા એનાથીએ સરળતાથી ચિત્તને ચિંતન કરવા મજબૂર કરી દીધુ. બહુ જ સરસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: