Press "Enter" to skip to content

વરસવાના એંધાણ લાવો !


મિત્રો, આપના સહકાર, પ્રેરણા અને પ્રોત્સાહનથી મીતિક્ષા.કોમ આજે બે વરસ પુરા કરે છે એ નિમિત્તે નામી-અનામી સૌ વાચકમિત્રોનો ખુબ ખુબ આભાર. આજે એક સ્વરચિત ગઝલ પ્રસ્તુત છે. આશા છે એ આપને ગમશે.

સમસ્યા વિના પણ સમાધાન લાવો,
રણમાંય હરિયાળાં મેદાન લાવો.

ગુલો, ગુલબદન ને ગુલીસ્તાં ઘણાં છે,
અમસ્તાંય થોડુંક વેરાન લાવો.

ઠસોઠસ ભરેલી છે સમજણ બધામાં,
અહીં થોડા ભૂલકાંઓ નાદાન લાવો.

જુએ રાહ અવતરવા તેત્રીસ કોટિ,
જરૂરી છે કારણ? તો શયતાન લાવો.

શરમ સર્વ ત્યાગીને બેઠા તબીબો,
કહે ખુદ મરીઝો કે બેભાન લાવો.

કફન તો નસીબે મળે મોત પાછળ,
જીવે છે હજુ, કોઈ કંતાન લાવો.

ભરોસો ખુદાને નથી કેમ થાતો ?
વ્યથાઓ સમજવાને ઈન્સાન લાવો.

જુઓને આ ‘ચાતક’ તૃષાથી મરે છે,
કોઈ તો વરસવાના એંધાણ લાવો !

કરો પૂર્ણ ‘ચાતક’ની આજે પ્રતીક્ષા,
હટાવી દો પર્દા, ન વ્યવધાન લાવો.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

17 Comments

 1. Heena Parekh
  Heena Parekh July 1, 2010

  ઠસોઠસ ભરેલી છે સમજણ બધામાં,
  અહીં થોડા ભૂલકાંઓ નાદાન લાવો.
  ખૂબ સરસ પંક્તિ.

  મીતિક્ષા.કોમના બીજા જન્મદિને ખૂબ ખૂબ અભિનંદન અને આવનારા વર્ષો માટે શુભેચ્છા.

 2. રચના સારી થઈ છે….
  ત્રીજા શેરમાં સમજણ વિષેનો કટાક્ષ અને નાદાન ભૂલકા લાવવાની વાત વધુ અસરકારક રહી.

 3. Pragnaju
  Pragnaju July 1, 2010

  બીજા જન્મદિનના અભિનંદન.

  ઠસોઠસ ભરેલી છે સમજણ બધામાં,
  અહીં થોડા ભૂલકાંઓ નાદાન લાવો
  સુંદર પંક્તીઓ
  યાદ આવી
  बाजिचा-ए-अत्फाल है दुनिया मेरे आगे
  होता है शब-ओ-रोझ तमाशा मेरे आगे

  નાના બાળકોની રમત છે જાણે આ દુનિયા મારી સામે,
  થાય છે રોજ સાંજ-સવાર-રાત નવા નવા ખેલ મારી સામે

  एक खेल है ओरंग-ए-सूलेमान मेरे नझदिक
  एक बात है इझाज-ए-मसीहा मेरे आगे

  એક રમત છે રાજગાદી મારી પાસે,
  એક વાત છે મસીહાના ચમત્કાર મારી સામે

 4. Sapana
  Sapana July 1, 2010

  બીજી વર્ષગાંઠ મુબારક દક્ષેશભાઈ. ગઝલ ખૂબ સરસ થઈ છે.
  ભરોસો ખુદાને નથી કેમ થાતો ?
  વ્યથાઓ સમજવાને ઈન્સાન લાવો.
  બેસ્ટ લાઈન બની છે.
  આપ મારાં બ્લોગમા પધારો. મેં અને દિલીપભાઈએ થૈને ખૂલી આંખનાં સપના બુક પ્રકાશીત કરી છે એના વિષે મહિતી મળશે.
  સાહિત્ય જગતમાં થોડી સેવા આપી જઈ તો ખુશી થશે.
  સપના

 5. P Shah
  P Shah July 1, 2010

  મીતિક્ષા.કોમના બીજા જન્મદિનના અભિનંદન.
  આવનારા વર્ષો માટે અનેક શુભેચ્છાઓ !

  ઠસોઠસ ભરેલી છે સમજણ બધામાં,
  અહીં થોડા ભૂલકાંઓ નાદાન લાવો

  આ અને મક્તાનો શેર ખૂબ ગમ્યા. અભિનંદન !

 6. આપના બ્લોગની બીજી વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છાઓ.

  કફન તો નસીબે મળે મોત પાછળ,
  જીવે છે હજુ, કોઈ કંતાન લાવો.

  ભરોસો ખુદાને નથી કેમ થાતો ?
  વ્યથાઓ સમજવાને ઈન્સાન લાવો.

  ગમ્યું.

 7. Devika Dhruva
  Devika Dhruva July 2, 2010

  કફન તો નસીબે મળે મોત પાછળ,
  જીવે છે હજુ, કોઈ કંતાન લાવો.
  સરસ કટાક્ષ….

 8. Sudhir Patel
  Sudhir Patel July 2, 2010

  શ્રી દક્ષેશભાઈ,
  આપના ખૂબ સુંદર બ્લોગની બીજી વર્ષગાંઠના અવસર પર હાર્દિક વધાઈ અને સફળતા માટેની અઢળક શુભેચ્છાઓ!
  ખૂબસૂરત ગઝલનો બીજો અને છઠ્ઠો શે’ર વિશેષ ગની ગયાં. અભિનંદન!!
  આપ નીચેની લીંક પર મારી તાજા ગઝલ ‘હે મન!’ માણી શકશો.
  http://aasvad.wordpress.com/2010/07/01/660/
  આભાર.
  સુધીર પટેલ.

 9. Sanat Joshi
  Sanat Joshi July 2, 2010

  બીજા જ્ન્મદિને આભિનંદન. ખુબ સુન્દર રચના કરી છે.
  હુ કૈક લખું …

  ઉર્મિઓ બધી રહી અન્દર પંક્તિઓ બન્યા વગર,
  કારણ, નથી આવડત કવિતાની કોઇ તો સમજણ આપો.

  Congratulations for such a good gazal.

 10. Chetu
  Chetu July 4, 2010

  બ્લોગની દ્વિતિય વર્ષગાંઠ પર ખુબ ખુબ વધાઈ..!!

 11. Hemal
  Hemal July 4, 2010

  ખુબ સરસ દક્ષેશભાઈ ……..

 12. ઝળુંબે ભાર ઝાઝો આ પૃથ્વીનો, લાવો તો પાછા કૃષ્ણને જ લાવો……

 13. Pancham Shukla
  Pancham Shukla July 5, 2010

  જન્મદિનની વધાઈ. સરસ ગઝલ. મક્તામાં ‘એંધાણ’ કાફિયાનું કુદરતી પ્રયોજન ધ્યાનાર્હ છે.

 14. Dr. Bharat
  Dr. Bharat July 5, 2010

  આપને બ્લોગના જન્મદિનના અભિનંદન ! દરેલ દિવસો માટે અનેક શુભેચ્છાઓ.
  સુંદર ગઝલ.
  શરૂઆત…
  ‘સમસ્યા વિના પણ સમાધાન લાવો,
  રણમાંય હરિયાળાં મેદાન લાવો’ …
  એકદમ પોઝીટીવ રહી, મધ્યે .. કડવાસ .. અંત્યે .. ફરી ભગવાન ને આજીજી…સુંદર!!!

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.