ઈશ્વર આપણો સાથી છે, આપણા અંતરમાં રહે છે, આપણી બધી જ વાતોને જાણે છે – આપણે આવું સાંભળતા આવ્યા છીએ. જો એમ જ હોય તો એને આપણી તકલીફનો અહેસાસ હોવો જોઈએ, આપણી પીડાનો અનુભવ થવો જોઈએ અને એમ હોય તો એને દૂર કરવા માટે પ્રાર્થના કરવાની જરૂર ન પડવી જોઈએ. ઈશ્વર પાસે હાથ ફેલાવીને નહીં કરગરવાની કવિ નાઝિરની આ ખુમારી માણો આ સુંદર ગઝલમાં.
*
સ્વર: મનહર ઉધાસ, આલ્બમ: અસ્મિતા
*
હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.
શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશીય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?
આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે એમાં નૂર નથી.
જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.
ભરૂચ પાસે આવેલ કબીરવડથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. એક માન્યતા પ્રમાણે ચૌદમી સદીમાં શુકલતીર્થ ક્ષેત્રમાં જીવા અને તત્વા નામના બે બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતાં, તેમણે વડની એક સૂકી ડાળખી જમીનમાં રોપી અને એવો સંકલ્પ કર્યો હતો કે કોઈ સમર્થ સંતના સ્પર્શથી આ સૂકી ડાળ નવપલ્લિત બને અને તેને કુંપળો ફુટે. વરસો બાદ તેઓ વૃદ્ધ થયા ત્યારે સંત કબીર ત્યાં પધાર્યા. એમણે નર્મદાના નીરથી કબીર સાહેબના પગ ધોયા અને ચરણામૃત લીધા પછીનું જળ આ સૂકી ડાળીમાં સિંચ્યું. બસ, સર્વ ભક્તજનોના આશ્ચર્ય વચ્ચે તે સૂકી ડાળને કુંપળ ફૂંટી અને તે કબીરવડ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. એ પછી તો આખાય ગુજરાત અને ગુજરાત બહાર તેની પ્રસિદ્ધિ થઈ. અનેક વાર નર્મદાના પાણી એ બેટ પર ફરી વળ્યા છતાં ઈતિહાસનો સાક્ષી સમો કબીરવડ આજેય અડીખમ ઊભો છે. કવિ નર્મદે કબીરવડને અદભુત અંજલિ આપતું પદ રચ્યું. મેહુલભાઈએ એનું એટલું જ સુંદર સ્વરાંકન કર્યું. માણો કબીરવડના ગૌરવગીત સમી આ રચના પાર્થિવ ગોહિલના સ્વરમાં.
*
સંગીત: મેહુલ સુરતી, આલ્બમ: નર્મદધારા
*
ભુરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમસે પ્હાડ સરખો,
નદી વચ્ચે ઊભો, નિર્ભયપણે એકસરખો;
દિસ્યો હાર્યો જોદ્ધો, હરિતણું હૃદે ધ્યાન ધરતો,
સવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો.
જતાં પાસે જોઊં, વડ નહીં વડોનું વન ખરે,
મળે આડા ઊભા, અતિ નિકટ નીચે ઉપર જે;
વડો ઝાઝા તોએ, સહુ ભળી ગયે એક દીસતો,
વળી સંધાઓનું, અસલ જીવતું એક મુળ તો.
કિયૂં ડાળૂં પ્હેલૂં, કંઇ ન પરખાએ શ્રમ કરે ,
ઘસેડ્યો પાડીને, અસલવડ રેલે જણ કહે;
તણાયા છે ભાગો, ઘણી વખત જો એ વડ તણા,
તથાપિ એ થાએ, ફુટ વીસ ગુણ્યા સો પરિઘમાં.
ફૂટી ડાળોમાંથી, પ્રથમ તરુ કેરી નીકળતા,
ખુંચે તેવા તંતુ, વધી જઈ નીચે જે લટકતા;
જટાની શોભાથી, અતિશ શરમાઈ શિવ ઊઠ્યા,
જટાને સંકેલી, વડ તજી ગિરિયે જઈ રહ્યા.
જટા લાંબી લાંબી, મુળ થડથી થોડેક દૂર જે,
નીચે ભૂમિ સાથે, અટકી પછી પેસે મહિં જતે;
મળી મૂળીયાંમાં, ફરી નિકળી આવે તરુરુપે,
થડો બાંધી મોટાં, ઘણીક વડવાઈ કરી રહે.
વળી ડાળો મોટી, ઘણીક વડવાઇથી નિકળે ,
જટા પાછી જેને, અસલ પરમાણે જ લટકે;
નવાં બાંધી થાળાં, નવિન વટવાઇ ઉગી બને,
નહીં ન્હાની ન્હાની, પણ મૂળ તરૂતુલ્ય જ કદે.
વડો વચ્ચે વચ્ચે, તરુ અવર આસોપાલવનાં,
વડોથી ઊંચાં છે, ખીચખીચ ભર્યાં પત્રથી ઘણાં;
ઘણા આંબા ભેગા, વળી ઘણીક સીતાફળી ઉગે,
બીજાં ઝાડો છોડો, વડની વચમાં તે જઈ ઘૂસે.
ઉનાળાનો ભાનુ, અતિશ મથી ભેદી નવ શકે,
ઘટા ઊંચે એવે, જન શીતળ છાયા સુખ લિયે;
ખુલી બાજૂઓથી, બહુ પવન આવી જમીનને,
કરે ચોખ્ખી રૂડી, પછી મીત થઈને ખુશી કરે.
ઘણાં જંતુ પંખી, અમળ સુખ પામે અહિં રહી,
ઘણાં જાત્રાળુઓ, અહીં ઊતરતાં પુણ્ય સમજી;
ઘણા શિકારીઓ, ગમત કરતા રેહ બહુ અહીં,
હજારો લોકોને, અડચણ સમાતાં અહિં નહીં.