ઈશ્વર આપણો સાથી છે, આપણા અંતરમાં રહે છે, આપણી બધી જ વાતોને જાણે છે – આપણે આવું સાંભળતા આવ્યા છીએ. જો એમ જ હોય તો એને આપણી તકલીફનો અહેસાસ હોવો જોઈએ, આપણી પીડાનો અનુભવ થવો જોઈએ અને એમ હોય તો એને દૂર કરવા માટે પ્રાર્થના કરવાની જરૂર ન પડવી જોઈએ. ઈશ્વર પાસે હાથ ફેલાવીને નહીં કરગરવાની કવિ નાઝિરની આ ખુમારી માણો આ સુંદર ગઝલમાં.
*
સ્વર: મનહર ઉધાસ, આલ્બમ: અસ્મિતા
*
હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.
શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશીય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?
આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે એમાં નૂર નથી.
જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.
– નાઝિર દેખૈયા
4 Comments