ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતાએ રચેલા અનેકવિધ પદોમાં એમની આધ્યાત્મિક અનુભૂતિઓને વણી લીધી છે. પ્રસ્તુત પ્રભાતિયામાં હરિનો રસ પીવાને કારણે થયેલી દશા વર્ણવવામાં આવી છે. જ્યારે પ્રભુનામનો નશો રોમેરોમ વ્યાપી જાય ત્યારે ભક્ત ભગવાન જેવો થઈ જાય છે. એને ઈશ્વરનું અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થઈ જાય છે. તદ્રુપતાની એ ઉચ્ચોચ્ચ અવસ્થામાં નરસૈયો ઝૂમીને ગાય છે. તો આજે આપણે પણ હરિરસના પ્યાલાને પીને ઝૂમીએ અને કહીએ 2008 ને અલવિદા.
*
*
રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં
પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પુરણ પાયો.
પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,
બીજે પિયાલે રંગની હેલી રે
ત્રીજો પિયાલો મારાં રોમે રામે વ્યોપ્યો
ચોથે પિયાલે થઈ ઘેલી રે …રામ સભામાં
રસ બસ થઇ રંગ રસિયા સાથે,
વાત ન સુઝે બીજી વાટે રે
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે
તે મારા મંદિરીયામાં મ્હાલે રે … રામ સભામાં
અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં
અખંડ સૌભાગી અમને કીધાં રે
ભલે મળ્યા મહેતા નરસૈંઇના સ્વામી
દાસી પરમ સુખ પામી રે … રામ સભામાં
– નરસિંહ મહેતા
2 Comments