ભગવાન શંકરની જટામાંથી જાહ્નવી ગંગાનું પૃથ્વી પર અવતરણ માનવજાતિના મંગલનું કારણ બન્યું. જો એવી રીતે નીચે પડવું કોઈને માટે કલ્યાણકારણ થતું હોય તો એવું પતન પણ મુબારક હો. વળી પ્રેમીનું પોતાને ઘર જવા નીકળવું – વિયોગની એ ઘટનાથી ઉદાસ થયેલ કવિ કહે છે કે એને રસ્તામાં કોઈ અપશુકન થાય અને એ રીતે પણ એ ઘરે પાછા આવે તો એ મને કબૂલ છે. સુંદર શેરોથી સભર નાઝિરની આ ગઝલ આજે માણો.
પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું,
ભલે ગંગા સમું એ મુજ પતન થઈ જાય તો સારું.
નહીં તો દિલ બળેલા ક્યાક બાળી દે નહીં જગને,
પતંગા ને શમા કેરું મિલન થઈ જાય તો સારું.
એ અધવચથી જ મારાં દ્વાર પર પાછા ફરી આવે,
જો એવું માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું.
નહીં તો આ મિલનની પળ મને પાગલ કરી દેશે,
હૃદય ઉછાંછળું છે, જો સહન થઈ જાય તો સારું.
કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું !
અનુભવ કાજ વિકસીને સુમન થઈ જાય તો સારું.
જીવનભર સાથ દેનારા, છે ઈચ્છા આખરી મારી,
દફન તારે જ હાથે તન-બદન થઈ જાય તો સારું.
વગર મોતે મરી જાશે આ નાઝિર હર્ષનો માર્યો,
ખુશી કેરુંય જો થોડું રુદન થઈ જાય તો સારું.
– નાઝિર દેખૈયા
આ સુંદર કૃતિને સ્વર ના મળે ? નાનપણ થી આ કવિની ઘણી ગઝલ સાંભળી છે. હવે આવા કવિ ક્યાં છે?