મા વિશે જેટલું લખીએ એટલું ઓછું છે, ગ્રંથો લખીએ તો પણ ઓછાં પડે. ઈશ્વરનું પ્રગટ સ્વરૂપ, પ્રેમની જીવંત મૂર્તિ … આજે અમેરિકામાં મધર્સ ડે છે. વિશ્વભરની માતાઓના પ્રદાનને અને એમના વાત્સલ્યને વિશેષ રૂપે યાદ કરવાનો દિવસ. લોકો ચર્ચા કરે છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરમાં આવી ભારતીયોએ મધર્સ ડે ન ઉજવવો જોઈએ. પણ ગુરુને પૂજ્ય માનનાર આપણે જો ગુરુપૂર્ણિમા ઉજવી શકતા હોય તો આપણી પ્રથમ ગુરુ એવી મા માટે મધર્સ ડે કેમ નહીં. હા, એ વાત સાચી કે એ દિવસ પૂરતાં જ મા ને યાદ કરીએ, મળવા જઈએ, એને ખુશ રાખીએ એવું નહીં પણ વર્ષભર, પ્રત્યેક પળે ને સમયે એની મમતા, સ્નેહ અને વાત્સલ્યને ગૌરવ ધરીએ. તો સાચા અર્થમાં મધર્સ ડે ઉજવેલો ગણાશે. મારે તો આજે સોને પે સુહાગા છે કારણ મમ્મી-પપ્પા ભારતથી આજે અમેરિકા આવે છે. સૌ માતાઓને તથા હૈયે માતૃત્વ ભાવના ધરાવતા સર્વને હેપી મધર્સ ડે. માણો બોટાદકરની અમર કૃતિ બે અદભૂત સ્વરમાં.
*
*
સ્વર – પુરુષોત્તમ ઉપાધ્યાય
*
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
– દામોદર બોટાદકર
જગત જનનીના સ્મરણો નવી પેઢીને કરાવતું ગીત હૈયું વલોવી નાખે તેવું આ સુંદર ગીત છે
મા એ મા.
મારે તો મા જ નથી ..
માતાનું ઋણ ચુક્વવવું હોય તો ભગવાનને પણ મુશ્કેલ પડે.
આ ગીત લેડીઝના સ્વરમાં પણ છે. એ સંભળાવવા વિનંતી.
બીજુ આજ રાગમાં “ભાભી ના ભાવ મને ભીંજવે રે લોલ” એ બંને સંભળાવવા વિનંતી.
મમ્મી નો પ્રેમ ભરપુર મળ્યો છે પણ જેણે નાનપણમાં મા ગુમાવી હોય તેના દુઃખની કલ્પ્ના થઈ શકતી નથી.
મમ્મીને ઘણા વર્ષો પછી જોઈને સારું લાગ્યું.
જો હું આપના આ બ્લોગ ની કવિતા પર કોમેન્ટ આપીશ તો રડી પડીશ. અને પછી પોતાને સાચવવા અસમર્થ થઇ જઇશ, માટે મારા બ્લોગ પર પધારશો તો તેનો જવાબ મળી જશે.
બા વિશે તો જેટલુ લખાય એટલુ ઓછુ. હું મારી એક કવિતા અહીં લખુ છુ.
બા
બા તારા પ્રેમ ને તોલે આવે ના કોઇનો પ્રેમ,
બા તુ પ્રેમ નો દરિયો, હું ઝરણું માત્ર પ્રેમનુ,
બા તારી વાતમાં છે પ્રેમ, તારી આંખમા પ્રેમ,
તે આપ્યો છે મને કાયમ પ્રેમ,પ્રેમ પ્રેમ…!
બા તે વેદના સહી તુ લાવી મને આ સંસાર મા,
મારા બચપનમા બા
તુ ઉદાસ હોય તોય મને હસો હસો કહી હસાવ્યો,
તુ જાગી અને મને હાલા વાહલા કરી સુવડાવ્યો,
તુ ભુખી રહી અને મને કોળીયે કોળીયે જમાડ્યો,
તે ચાલતા ય મને ડગલે ને પગલે શીખવાડીયુ ,
તે મને સારા નરસાની રીતભાત મને શીખવાડી,
તુ મારી ઉદાસીમા ઉદાસ ને મારી ખુશીમાં ખુશ તું,
તારા બુઢાપામા બા
તે આપી મને આ સંસારમા ખુબ ખુશી અને આજ તારી એકલતા ની વાત આવી,
તે આખી જીંદગી મને સાથ આપી ના તને કોઇ દિવસ મજબુરી ના વચ્ચે આવી,
બધા પાસે કામજ કામ,ના કોઇ સાથ બાને આપે, મને મારી ઓફિસ વચ્ચે આવી,
બા તારી સામે કે ના તારી વચ્ચે ના આવવા દઈશ કદીય હુ હવે ઓફિસ ઓફિસ,
તારા પ્રેમ નુ કરજ થાય આવડુયે મોટુ મોટુ કે,
મારા ચામડી ના જુતા બનાઉ તોય પડે ઓછુ,
બા તારા ચરણોમાં સ્વર્ગ છે આ પુરા સંસારનુ,
બા તારુ સ્થાન મારા માટે ભગવાન કરતાંય મોટું,
– ભરત સુચક
જનનીની જૉડ ગીત Praful Dave Nu excellent. I am thankful to Mitixa.com for this songs.It is very difficult to find such types of songs (Originally ) sung by well known artist Shree Praful Dave. If i want to download how it is possible and guide me if you can.
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે …
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
માતૃદેવો ભવ!
મિતિક્ષા.કોમની ‘હેપી મધર્સ ડે’ની અનોખી ભેટ કવિ દામોદર બોટાદકરની અમર કૃતિ બે અદભૂત સ્વરમાં મા’ણવાની સાચે જ મજા આવી ગઈ! જિંદગીભર માણેલા માતાના પ્રેમની યાદથી આંખડી ભીની થઈ અને અનુભવ્યું કે માતાનું ઋણ જેટલું ચૂકવો એટલું ઓછું છે. હૈયે માતૃત્વ ભાવના ધરાવતા દરેકે આ કૃતિ માણવી જ રહી!
Happy mothers’ day. કવિતા તો અજોડ છે જ. બન્ને સ્વર પોત પોતાની રીતે મજાના છે.