અમે એથી જ તો કોઈ સ્થળે માર્યા નથી જાતાં;
કોઈની ધારણા માફક અમે ધાર્યા નથી જાતાં.
બરાબર લાગ જોઈને નિશાને ઘાવ ફેકું છું,
અને તેથી જ મારાં તીર અણધાર્યા નથી જાતાં.
તમે તો એ રીતે પણ મોકળું મનને કરી લો છો,
અમારાંથી તો અશ્રુઓય જ્યાં સાર્યા નથી જાતાં.
હઠીલા હોય છે એને કાં સમજાવે છે મન મારા!
એ જાયે છે તો હાર્યા જાય છે વાર્યા નથી જાતાં.
તમે કાં વાતે વાતે નીર ટપકાવો છો નયનોથી,
બધા અવસર સમે કંઈ દ્વાર શણગાર્યા નથી જાતાં.
નમન પર નાઝ કરનારને ‘નાઝિર’ આટલું કહી દે,
ઘણાય એવાય છે સઝદા જે સ્વિકાર્યા નથી જાતાં.
– નાઝિર દેખૈયા
તમે કાં વાતે વાતે નીર ટપકાવો છો નયનોથી,
બધા અવસર સમે કંઈ દ્વાર શણગાર્યા નથી જાતાં.
– સરસ !
હઠીલા હોય છે એને કાં સમજાવે છે મન મારા!
એ જાયે છે તો હાર્યા જાય છે વાર્યા નથી જાતાં.
’નાઝિર’ સાહેબની ગઝલોનો કોઇ જવાબ નથી હોતો !