ઝવેરચંદ મેઘાણીની એક સુંદર કૃતિ. મા વિશે લગભગ બધા સાક્ષરોએ કલમ ચલાવી હશે. માનો પ્રેમ જેને મળે તે જ જાણે. જે કમનસીબ લોકોને માથે માનો સ્થૂળ અમીમય હસ્ત નથી રહેતો તેમને એની ગેરહાજરી કેવી સાલે તેનું સુંદર ચિત્રણ આ કૃતિમાં થયેલું છે. મંદિરમાંના દેવને ફૂલોથી પૂજતી મા જ્યારે સ્વયં મંદિરની દેવી બની જાય છે ત્યારે એના નિઃસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમના ફૂલોની સુગંધ આપણે માટે મૂકતી જાય છે. મા તો કદી બાળકથી દૂર નથી જતી. વ્યક્ત રૂપેથી વિલીન થનાર મા નિઃસીમ થઈ અવકાશમાં વિસ્તરે છે ત્યારે નભમાંથી એની આંખો નિહાળતી હોવાની મધુર કલ્પના કૃતિમાં અનેરો પ્રાણ પૂરે છે.
*
સ્વર – નિરુપમા શેઠ, સંગીત – અજીત શેઠ
*
કોઈ દી સાંભરે નૈ, મા મને કોઈ દી સાંભરે નૈ,
કેવી હશે ને કેવી નૈ, મા મને કોઈ દી સાંભરે નૈ.
કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા કાનમાં ગણગણ થાય,
હુ તુ તુ તુની હડિયાપાટીમાં માનો શબદ સંભળાય-
મા જાણે હિંચકોરતી વઈ ગઈ
હાલાંના સૂર થોડા વેરતી ગઈ….કોઈ દી સાંભરે નૈ
શ્રાવણની કોક કોક વે’લી સવારમાં સાંભરી આવે બા,
પારિજાતકની મીઠી સુગંધ લઈ વાડીએથી આવતો વા,
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ….કોઈ દી સાંભરે નૈ
સૂવાનાં ખંડને ખૂણે બેસીને કદી આભમાં મીટ માંડું;
માની આંખો જ જાણે જોઈ રહી છે મને એમ મન થાય ગાંડું,
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્દગ ચોડતી ગૈ….કોઈ દી સાંભરે નૈ
કોઈ દી સાંભરે નૈ, મા મને કોઈ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ, મા મને કોઈ દી સાંભરે નૈ
– ઝવેરચંદ મેઘાણી
મા ના વાત્સલ્ય નું વર્ણન હૃદય ને પલળાવી ગયું.
મંદિરમાંના દેવને ફૂલોથી પૂજતી મા જ્યારે સ્વયં મંદિરની દેવી બની જાય છે … વાક્ય ખરેખર રડાવી જાય તેવું છે પણ કુદરત એવું કેમ કરે છે કે મા હોય ત્યારે એની કિમત ના સમજાય અને એ મંદિરની દેવી બની જાય પછી જ બહુ યાદ આવે. ઉપર અભિપ્રાય લખનાર પ્રગ્નાજુબેનના મા હજુ હયાત હોય તેમ લાગે છે. દેવી બની જશે ત્યારે કદાચ સમજાશે.
આભાર, માની યાદ તાજી કરાવવા બદલ.
ઘણા સમયથી નેટ પર ગેરહાજર રહ્યો. વિવિધ કારણસર. એમાંનું એક કારણ માતાનું અવસાન હતું. એ વેળા આ ગીતની શોધ કરી હતી. આજે ફરી એક વાર શોધ કરતાં મળ્યું આ અન્મોલ ગીત. આભાર, માની યાદ તાજી કરાવવા બદલ.
મા ના વાત્સલ્ય નું વર્ણન હૃદય ને પલળાવી ગયું.
ભાવસભર અભિવ્યક્તી
ઘણી વાર “…એના નિઃસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમના ફૂલોની સુગંધ આપણે માટે મૂકતી જાય છે” વાત અતિશયોકતી લાગે છે.વ્યવહારમાં આવો પ્રેમ પ્રતિકૂળ સંજોગમાં નથી રહેતો.
પ્રેમ શબ્દ એટલો બધો ચોળાઈ ગયો છે કે આપણને ડગલે ને પગલે પ્રશ્ન થયા કરે કે આને તે કંઈ પ્રેમ કહેવાય ? પ્રેમ હોય ત્યાં આવું તે હોઈ શકે ? સાચો પ્રેમ ક્યાં મળશે ? સાચો પ્રેમ કોને કહેવો ?
પ્રેમની યથાર્થ વ્યાખ્યા તો પ્રેમમૂર્તિ જ્ઞાની જ આપે. વધે નહીં, ઘટે નહીં તે સાચો પ્રેમ. જે ચઢી જાય ને ઉતરી જાય એ પ્રેમ નહીં પણ આસક્તિ કહેવાય ! જેમાં કોઈ અપેક્ષા નથી, સ્વાર્થ નથી, ઘાટ નથી કે દોષદ્ષ્ટિ નથી, નિરંતર એકધારો વહે, ફૂલાં ચઢાવે ત્યાં ઉછાળો નથી, ગાળો દે ત્યાં અભાવ નથી, એવો અઘટ અને અઘાટ પ્રેમ એ જ સાક્ષાત્ પરમાત્મ પ્રેમ છે ! એવા અનુપમ પ્રેમનાં દર્શન તો જ્ઞાની પુરુષમાં કે સંપૂર્ણ વીતરાગ ભગવાનમાં થાય.
મોહને પણ આપણા લોકો પ્રેમ માને ! મોહમાં બદલાની આશા હોય ! એ ના મળે ત્યારે જે મહીં વલોપાત થાય, તેના ઉપરથી ખબર પડે કે આ શુધ્ધ પ્રેમ નહોતો ! પ્રેમમાં સિન્સિયારિટી હોય, સંકુચિતતા ના હોય. માનો પ્રેમ વ્યવહારમાં ઉચ્ચ પ્રકારનો કહ્યો છે. છતાં પણ ત્યાંય ખૂણેખાંચરે અપેક્ષા ને અભાવ આવે છે. મોહ હોવાને કારણે આસક્તિ જ કહેવાય !
Dear daxesh,
aah… this is wonderful feelings… only we humans feel it.