આશરે અગિયારમી સદીમાં ઈરાનમાં જન્મેલા ઉમર ખૈયામનું નામ ઓગણીસમી સદીમાં જન્મેલા એડવર્ડ ફિટ્ઝેરાલ્ડે કરેલા અનુવાદ પછી પશ્ચિમના દેશોમાં પ્રસિદ્ધ થયું. મૂળ ફારસીમાં લખેલી એમની રુબાઈઓ એટલા ચિંતન અને તત્વજ્ઞાનથી ભરેલી હતી કે પરમહંસ યોગાનંદ જેવા મહાપુરુષે એના આધ્યાત્મિક અર્થને ઉપસાવતું પુસ્તક પણ લખ્યું. ગુજરાતી ભાષાનું અહોભાગ્ય કે શૂન્યે એનો ગુજરાતી તરજૂમો કરી પોતાની સર્જનશક્તિનું નવું નૂર ચઢાવી પ્રસ્તુત કરી. એકેક રુબાઈઓ પર આફરીન થઈ જવાય અને વારેવારે વાંચવી, સાંભળવી અને મમળાવવી ગમે એવી ઉત્તમ અર્થસભર રુબાઈઓ અહીં સમયાંતરે નિયમિત રૂપે પ્રસ્તુત કરતાં રહીશું.
જો સુરા પીવી જ હો તો શાનની સાથે પીઓ,
કાં પ્રિયા કાં યાર બુદ્ધિમાનની સાથે પીઓ;
ખૂબ પી, ચકચૂર થઈ જગનો તમાશો ના બનો,
કમ પીઓ, છાની પીઓ, પણ ભાનની સાથે પીઓ.
*
બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે,
છે સુરાલય જિંદગીનું, જિંદગી પીતો રહે;
કોઈની આંખોથી આંખો, મેળવી પીતો રહે,
દિલના અંધારા ઉલેચી, રોશની પીતો રહે.
*
બાવરા થઇને કદી દરદર ન ભમવું જોઇએ,
ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઇએ;
વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ પડતાં જાય પાસાં એમ રમવું જોઇએ.
*
ઉર લતા છે ઉર્વશી જેવી, કમલ જેવાં નયન,
મ્હેંકતી ઝુલ્ફો, ગુલાબી ગાલ, મુખ જાણે સુમન;
અંત જેનો ખાક છે એવા જીવનમાં ઓ ખુદા !
આ બધો શણગાર શાને ? આટલું શાને જતન ?
*
જે કલા સર્જનમાં રેડે પ્રાણ સર્જકની કમાલ,
એ શું એનો નાશ કરવાનો કદી કરશે ખયાલ ?
તો પ્રભુ ! આવી રૂપાળી વ્યક્તિઓ સંસારમાં,
કેમ સર્જીને કરે છે એ જ હાથે પાયમાલ ?
– ઉમર ખૈયામ (અનુવાદ: શૂન્ય પાલનપુરી)
નોંધ ઉમર ખૈયામની રુબાઈઓ વિશે વધુ જાણવા અહીં જુઓ.