Press "Enter" to skip to content

લ્યો અમે તો આ ચાલ્યા


ઘણાં ઓછા સર્જનો એવા હશે જે સાંભળ્યા કરવાનું મન થયા કરે, જેને સાંભળતા કદી કંટાળો ના આવે. મારા મનગમતા ગીતોમાંનું આ એક અહીં રજૂ કરું છું. રચનાની સાથે ઉમદા અર્થનો સંયોગ તથા આશિત દેસાઈ અને આરતી મુન્શીનો સબળ કંઠ, પછી કહેવું જ શું ? આ કૃતિની છેલ્લી પંક્તિ કેટલી સુંદર છે ! ફૂલ અને ઝાકળનું મિલન કેટલું ક્ષણિક અને છતાંય કેવું યાદગાર હોય છે, કેવું મોહિત કરનાર હોય છે ? શું એ આપણને એવો સંદેશ નથી આપતું કે પૃથ્વી પર આપણું માનવદેહે વિહરવાનું પણ ક્ષણિક છે, એને આપણે યાદગાર બનાવવું જોઈએ ?
*
સ્વર: આશિત દેસાઈ, આરતી મુન્શી; આલ્બમ: હસ્તાક્ષર

*
શબ્દ કેરી પ્યાલીમા, સુરની સુરા પીને,
લ્યો અમે તો આ ચાલ્યા
મસ્ત બેખયાલીમાં, લાગણી આલાપીને … લ્યો અમે તો આ ચાલ્યા

જે ગમ્યુ તે ગાયું છે, જે પીધું તે પાયું છે,
મહેકતી હવાઓમાં કંઇક તો સમાયું છે
ચાંદની ને હળવેથી નામ એક આપી ને … લ્યો અમે તો આ ચાલ્યા

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું,
સાચવી ને રાખ્યું’તું, અશ્રુ એ જ સાર્યું’તું,
ડાયરીના પાનાની, એ સફરને કાપી ને … લ્યો અમે તો આ ચાલ્યા

ફુલ ઉપર ઝાંકળનું, બે ઘડી ઝળકવાનું,
યાદ તોય રહી જાતું , બેઉને આ મળવાનું
અંતર ના અંતરને એમ સહેજ માપીને……લ્યો અમે તો આ ચાલ્યા

– તુષાર શુકલ

3 Comments

  1. Kanchankumari Parmar
    Kanchankumari Parmar August 12, 2009

    ઢળી ગયેલી શિશિનો છલક્તો જામ છું; વાંચો કે ન વાંચો ખુલી કિતાબનો પ્રાણ છું…….

  2. Atul
    Atul July 13, 2008

    ખૂબ જ સરસ છે આ રચના. એવી તો મોઢે ચડી ગઈ છે કે સતત ગણગણાય છે.

  3. tadapan
    tadapan July 11, 2008

    પ્રેમમાં એવા થયા અનુભવ કે જે સામે મળે તેના હાલચાલ પુછું છું,
    આંસુ જો બીજાની આંખોમાંથી પડે તો ભૂલમાં મારી પાંપણ લુંછું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.