Press "Enter" to skip to content

Tag: niraj pathak

કમાલ કરે છે


પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી, પ્રેમ કોઈ ઉંમરનો મોહતાજ નથી. પ્રેમ કરવો એ યુવાનો અને યુવાનીનો ઈજારો નથી. વાળ સફેદ થયા પછી પાંગરતા મધુર પ્રેમની સોનેરી ઝલક સુરેશ દલાલની આ કૃતિમાંથી મળે છે. કદાચ જેટલો પ્રેમ લાલ ગુલાબ, ચોકલેટ કે પ્રેમપત્રોની પરિભાષામાં નહિ છલકતો હોય તેટલો વૃદ્ધાવસ્થામાં એકમેકને ગરમાગરમ નાસ્તો, મસાલા ચા કે પછી યાદ કરી-કરાવીને દવાની ગોળીઓ આપવામાં ઉભરતો હશે. પ્રૌઢાવસ્થાના પ્રેમની આ સુંદર ભાવોભિવ્યક્તિને માણો બે અલગ સ્વરોમાં
*
સ્વર – નીરજ પાઠક, આલ્બમ: હસ્તાક્ષર; સંગીત: શ્યામલ-સૌમિલ

*
સ્વર- બાલી બ્રહ્મભટ્ટ

*
કમાલ કરે છે, કમાલ કરે છે,
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે ડોસી તો આમ કરી
ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે? … કમાલ કરે છે

નિયમ પ્રમાણે દવા આપે છે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.
દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે છે. … કમાલ કરે છે

પગમાં આવે જો ક્યાંક એકાદ પગથિયું
તો ડોસો ડોસીનો પકડી લે હાથ
ડોસો તો બેસે છે છાપાંના છાપરે
ને ડોશીને હોય છે રસોડાંનો સાથ
આઠ દસ દિવસ પણ છુટ્ટાં પડે તો
બંને જણ ફોન પર બરાડ કરે છે… કમાલ કરે છે

કાનમાં આપે છે એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.
બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલ-ધમાલ કરે છે… કમાલ કરે છે

ડોસી તો સાંજે મંદિરમાં જાય અને
ડોસો તો જાય છે બારમાં
બંનેના રસ્તા લાગે છે જુદાં પણ
અંતે તો એક છે સવારમાં
ડોસો ને ડોસી જાગીને જુએ
તો પ્હાડ જેવા કાળને કંગાલ કરે છે … કમાલ કરે છે

ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે, ઝગડે છે, હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.
દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે … કમાલ કરે છે

-સુરેશ દલાલ

10 Comments