*
બાવડાનું બળ કોઈ બખ્તરની પાસે ક્યાં હતું?
સત્ય જેવું દળ કોઈ લશ્કરની પાસે ક્યાં હતું?
હાથમાં હિંમત હતી એથી થયાં છે કામ આ,
ડામ ડેવાનું જીગર નસ્તરની પાસે ક્યાં હતું?
કંઠમાં હસતા મુખે વિષ એટલે ધારણ કર્યું,
ઝેરનું મારણ બીજું શંકરની પાસે ક્યાં હતું?
લોહીની નદીઓ વહાવાની હતી ક્ષમતા છતાં,
પ્યાસ ઠારે એવું કૈં ખંજરની પાસે ક્યાં હતું?
વેર, ઈર્ષ્યા, આગ કે નફરતથી પહોંચાયું નહીં,
કોઈ સરનામું અઢી અક્ષરની પાસે ક્યાં હતું?
જિંદગીનો ભાર ઊંચકી ચાલવું હસતા મુખે,
શીખવાનું કૈં બીજું દફ્તરની પાસે ક્યાં હતું?
ભૂલની માફી, ફરી ન થાય એની સજ્જતા,
કામ ત્રીજું કોઈ આ ડસ્ટરની પાસે ક્યાં હતું?
હુંય દત્તાત્રેય માફક બસ, ગુરૂ કરતો ફરત,
એક પાસે જે મળ્યું, સત્તરની પાસે ક્યાં હતું?
કોઈની શ્રદ્ધા હતી એથી જ પૂજાતો રહ્યો,
પ્રાણ જેવું આમ તો પત્થરની પાસે ક્યાં હતું?
પ્રાર્થના કરતો રહ્યો પણ કૈંજ મંગાયું નહીં,
આપવા જેવું કશું ઈશ્વરની પાસે ક્યાં હતું?
હું પ્રિયે તારા બદનને એટલે ચૂમતો રહ્યો,
તારી ખુશ્બોમાં હતું, અત્તરની પાસે ક્યાં હતું?
એક બે પ્રશ્નો પછી ‘ચાતક’ સ્વયં અટકી ગયો,
જાણવા જેવું કશું ઉત્તરની પાસે ક્યાં હતું?
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above: Painting by Donald Zolan]
“જિંદગીનો ભાર ઊંચકી ચાલવું હસતા મુખે,
શીખવાનું કૈં બીજું દફ્તરની પાસે ક્યાં હતું?”
અદભુત!
ખભે ટીંગાડાતું દફતર પણ જીવનની એક ઉમદા શીખ આપી જાય છે!
ખુબ ખુબ આભાર હિતેશભાઈ