*
વેદના મળતી રહી છે વ્હાલમાં,
આંસુ સૂકાતા નથી રૂમાલમાં.
એ રીતે આપું છું ધરપત હું મને,
આવતાં ડૂસકાંઓ સુધ્ધાં તાલમાં.
ગામમાં આવ્યા ને ઘર આવ્યા નહીં !
આંગણું રોયા કરે એ ખ્યાલમાં.
હર વ્યથાની હોય છે લાંબી ઉમર,
કેટલા વરસો વીતે એક સાલમાં.
આથમે એના પછી ઊગતો નથી,
સૂર્ય કોઈ પરિણીતાના ભાલમાં.
આવનારી કાલ પાસે ના રહી,
શક્યતાઓ જે હતી ગઈકાલમાં.
એજ છે ‘ચાતક’ હૃદયની આરઝૂ,
એ મળે આવીને અબ્બીહાલમાં.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above: Painting by Donald Zolan]