જીવનમાં જ્યારે ઈશ્વર કે ઈશ્વરતુલ્ય સંતપુરુષોનું આગમન થાય છે ત્યારે તે ઘડી રળિયામણી બની જાય છે. ગુજરાતના આદિકવિ નરસિંહ મહેતા પોતાની અનુભૂતિને શબ્દનો આકાર આપી કહે છે કે એના દર્શન માટે તો તન મન અને ધન આપી દઈએ તો પણ કમ છે. પોતાનો આનંદ વ્યક્ત કરવા નરસિંહ મહેતા પારંપરિક સ્વાગતના રૂપકો પ્રયોજે છે. બે ભિન્ન સ્વરોમાં માણો આ સદાબહાર ગીતને.
*
સ્વર – હેમા દેસાઈ
*
*
આજની ઘડી તે રળિયામણી
મારો વા’લાજી આવ્યાની વધામણી જી રે … આજની ઘડી
તરિયા તોરણ તો બંધાવિયા
મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે … આજની ઘડી
લીલુડા વાંસ વઢાવીએ
મારા વ્હાલાજીનો મંડપ રચાવીએ જી રે … આજની ઘડી
પૂરો સોહાગણ સાથિયો
વ્હાલો આવે મલકતો હાથિયો જી રે …. આજની ઘડી
જમુનાનાં જળ મંગાવીએ
મારા વ્હાલાજીનાં ચરણ પખાળીએ જી રે … આજની ઘડી
સહુ સખીઓ મળીને વધાવીએ
મારા વ્હાલાજીના મંગળ ગવડાવીએ જી રે … આજની ઘડી
તન મન ધન ઓવારીએ
મારા વ્હાલાજીની આરતી ઉતારીએ જી રે … આજની ઘડી
રસ વાધ્યો અતિ મીઠડો
મ્હેતા નરસિંહનો સ્વામી દીઠડો જી રે … આજની ઘડી
– નરસિંહ મહેતા
9 Comments