*
શ્વાસને સત્કારવા માટે જગા ઓછી પડી,
આપણી વચ્ચે હવા માટે જગા ઓછી પડી.
તીર પહેલાં પ્રેમનું એવી જગા વાગી ગયું,
કોઈ દુઆ કે દવા માટે જગા ઓછી પડી.
આગ હૈયાની નિયંત્રિત થાય પણ કેવી રીતે,
લાગણીઓ ઠારવા માટે જગા ઓછી પડી.
એક વત્તા એકનો આ દાખલો સ્હેલો ન’તો,
ને ઉપરથી ધારવા માટે જગા ઓછી પડી.
આંખને પૂછ્યા વિના એ ગાલ પર આવી ગયા,
સ્વપ્નને સંતાડવા માટે જગા ઓછી પડી.
હાથ ત્યાં રૂમાલ થઈ આવી શકે એવું હતું,
દોસ્ત, આંસુ સારવા માટે જગા ઓછી પડી.
સાત ફેરાનું ગણિત કેમે ઉકેલાયું નહીં,
જાન, તોરણ, માંડવા માટે જગા ઓછી પડી.
એ રીતે જોયા કર્યું ‘ચાતક’ જમાનાએ પછી,
કે નજર ઉતારવા માટે જગા ઓછી પડી.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – Painting by Donald Zolan]
કરું તો કરું શું પ્રશંસા આ રચનાની
કે પ્રશસ્તિ માટે જગા ઓછી પડી!
આભાર હિતેશભાઈ
Largest collection of Gujarati Kavita, poetry, & poets. Daily updated Ghazals, Nazms, and famous Gujarati poems, along with literature books | RekhtaGujarati
સરસ ગઝલ સલામ સાથે શુભ સંધ્યા આપને
આભાર કિશોરભાઈ … કુશળ હશો