[Painting by Donald Zolan]
*
કુશળ ને ક્ષેમ છે એથી ગઝલ સારી લખાઈ છે,
ખુદાની રે’મ છે એથી ગઝલ સારી લખાઈ છે.
સુધારા છંદ ને વ્યાકરણના લખવા દસ વખત આપ્યા,
હજી એ મે’મ છે એથી ગઝલ સારી લખાઈ છે.
ઘણી જહેમત પછી બાંધ્યો કોઈના આંસુઓ ઉપર,
સલામત ડેમ છે એથી ગઝલ સારી લખાઈ છે.
તબીબે લાગણી માપી નવા ચશ્મા લખી આપ્યા,
ત્વચાની ફ્રેમ છે એથી ગઝલ સારી લખાઈ છે.
બિમારીની ખબર જાણી એ મળવાને ઘરે આવ્યા,
ને પૂછ્યું કેમ છે? એથી ગઝલ સારી લખાઈ છે.
અગાસી પર હતાં એ, એમનો પડછાયો મારા પર,
અડ્યાનો વ્હેમ છે એથી ગઝલ સારી લખાઈ છે.
જીવન જીવવા અને લખવાને માટે ક્યાં અલગ રાખ્યું?
એ બંને સે’મ છે એથી ગઝલ સારી લખાઈ છે.
મુકમ્મલ હોત તો ‘ચાતક’ કલમમાં ધાર ક્યાં આવત,
અધૂરો પ્રેમ છે એથી ગઝલ સારી લખાઈ છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
DEAR SIR,
સાચું બોલો દક્ષેશભાઈ, વડોદરામાં કોઈ અધૂરો પ્રેમ મૂકીને આવ્યા છો?
જરૂર જણાવો … નહીંતર આવું ધારદાર ના લખાય …….
યોગેશભાઈ, પૂરો થાય એને પ્રેમ જ ના કહેવાય. પ્રેમ અધૂરો જ હોય અને એમાં જ એની મજા છે.
બાય ધ વે, તાજેતરમાં ક્યાંક વાંચેલું એક વાક્ય યાદ આવી ગયું …
આ જગતમાં બે પ્રેમીઓને લગ્ન સિવાય બીજું કોઈ અલગ નથી કરી શકતું. 🙂
Very Nice Gazal.
Congratulations Daxeshbhai.
waiting for more !!!
Thank you very much for your appreciation.