Press "Enter" to skip to content

પરિચય થવા લાગે

બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.

અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.

રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,
અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.

હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?
ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !

પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.

નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?
મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.

‘ગની’, નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,
કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.

– ગની દહીંવાલા

6 Comments

  1. બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,
    કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.

    વાહ શું રચના છે ગનીચાચા એટલે ગનીચાચા. ખુબ સરસ.
    સંગીતકારોને નિવેદન કે આ ગઝલને સ્વર આપો.

  2. pragnaju
    pragnaju November 22, 2008

    અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
    પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.

    રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,
    અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.

    સરસ

  3. Dr Bipin Contractor
    Dr Bipin Contractor November 23, 2008

    અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
    પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.

    ગની દહીંવાલાની ખરેખર ખૂબ સરસ રચના! કદાચ સ્વરાંકન ન થવાને લીધે પ્રચલિત નહીં થઈ હોય! ડૉ.પ્રીતેશ વ્યાસની ખ્વાહિશ કોઈ સંગીતકાર પૂરી કરે તો બધાં મા’ણી શકે!
    ભાઈ ચાતક,તમે કેમ તમારી સુંદર સમીક્ષા નથી મૂકી?

  4. ATUL
    ATUL November 26, 2008

    પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,
    ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.

    ગની’, નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,
    કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.

    મૌન અને શાન્ત બની પોતાની સાથે વાતો કરતા
    યોગી ને આમ જ સ્વ નો પરિચય થતો હશે ???

  5. Krunal Chaudhari
    Krunal Chaudhari July 17, 2011

    can you send me the creation of ગની દહીંવાલા gazal
    બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું

  6. Dr Mahendra Maheta
    Dr Mahendra Maheta March 7, 2016

    બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું,
    નિખાલસ પ્રેમથી પાશે જગત, તો ઝેર પી જાશું…

    સજાવીશું તમન્નાઓની મહેફિલ એક દી જોજો,
    ધરા ત્યારે ગગન બનશે, અમે તારા બની જાશું…

    પડીશું તો ગગનના ઘૂમટેથી મેહુલા રૂપે,
    ઉરે ફળની તમન્ના લઈને માટીમાં મળી જાશું.

    પતંગાની અગન લઈને ‘ગની’, કંઈ શોધીએ શાતા;
    દીસે એ દૂર પેલી જ્યોત, ત્યાં જઈને બળી જાશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.