[ આજે ઉપરની પોસ્ટમાં લખ્યા મુજબ કાર્નેગી મેલન યુનિવર્સીટીના પ્રાધ્યાપક ડો. રેન્ડી પાઉશનું અવસાન થયું. એથી સહજ રીતે જ મૃત્યુ વિશે ચિંતન ચાલ્યું. થયું કે લાવ, મરણ વિશે કવિઓનું ચિંતન અહીં રજૂ કરું તો અસ્થાને નહીં ગણાય. ]
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને,
ટપાલ થઈને તમે ઘેરઘેર પહોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
– રમેશ પારેખ
મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ મળવાને ત્યાં આખી સભા આવે.
-કૈલાશ પંડીત
શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે
રડ્યા ‘બેફામ’ મારા મરણ પર સૌ એ જ કારણથી
હતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી !
– બેફામ
મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’
કે હું પથારીમાં રહું ને આખુ ઘર જાગ્યા કરે…
– મરીઝ
મોત કેરા નામથી ગભરાઉ એવો હું નથી,
બીકથી વહેવાર ચુકી જાઉં એવો હું નથી,
જાન દીધો છે ખુદાએ ચાર દિ માટે ઉધાર,
એનો પાછો સોંપતા ખચકાઉં એવો હું નથી.
– શૂન્ય પાલનપુરી
જન્મની સાથે જ મૃત્યુનો ચુકાદો હોય છે
કાળની પણ કેટલી નિર્મમ મુરાદો હોય છે
– ચંદ્રેશ શાહ
માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઈ હર એક રસ્તા નીકળે
– રમેશ પારેખ
મૃત્યુ એટલે સમગ્ર જાત ને વહેંચવી
વૃક્ષમાં, પહાડમાં, વિહંગમાં, જરા તરા
– હેમેન શાહ
જવાનું ચોક્કસ આ જગથી,
જન્મ મરણની મહા નિસરણી
આ તો લઘુ પગથી …
– યોગેશ્વરજી
તને કોણે કહી દીધું મરણની બાદ મુક્તિ છે ?
રહે છે કેદ એની એ ફક્ત દિવાલ જ બદલે છે.
– અમૃત ઘાયલ
જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા
સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’
જોવા તમાશો એક વાર ગુજરી જવું પડે.
– રવિ ઉપાધ્યાય
જીવતાં જાણ્યું નહીં ને આજ મરવાના પછી,
ના કરો ફુલો થકી, મારા કફનની છેડતી.
– ડો. સુચેતા ભડલાવાલા
રેત ભીની તમે કરો પણ રણ સમંદર કદી નહીં લાગે,
શબને પુષ્પ તમે ધરો પણ મોત સુંદર કદી નહીં લાગે.
[ હજી ઘણું ઘણું યાદ આવે છે પણ અત્યારે આટલું જ … કારણ, તમને કંઈ યાદ આવે તો ઉમેરી શકો ને ? ]