રાતની હરદમ પ્રતીક્ષા જામને,
જેમ મીરાં શોધતી ઘનશ્યામને.
એક ઘટના એટલે અટવાઈ ગઈ,
માર્ગ ના પૂછી શકી અંજામને.
શ્હેર પ્રત્યે અણગમો ભારે હતો,
ભેટવું તો પણ પડ્યું છે ગામને.
બોર ખાટાં નીકળે તો શું કરું ?
પૂછવા આવી પ્રતીક્ષા રામને.
હર પરાજયને નિકટથી પેખવો,
ખિન્નતા એની રહી ઈનામને.
મોતની છે મેમરી કેવી સટીક,
ભૂલતું ના એ કોઈયે નામને.
જિંદગીનો થાક લાગે છે હવે,
કામ કરશે? પૂછ ઝંડુ બામને.
જીવવું ‘ચાતક’ જરૂરી કામ, પણ
કામમાં ભૂલી ગયો એ કામને.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
14 Comments