*
ગામ ને રસ્તાની વચ્ચે આપણે મળતાં રહ્યાં,
ચોકમાં ચર્ચાની વચ્ચે આપણે મળતાં રહ્યાં.
રોકવા જાલીમ જમાનામાં હતી તાકાત ક્યાં,
એકલાં, બધ્ધાંની વચ્ચે આપણે મળતાં રહ્યાં.
માર્ગ, નક્શો કે દિશાનું ભાન પણ કોને હતું?
હોઠ ને હૈયાની વચ્ચે આપણે મળતાં રહ્યાં.
ડૂબવાની શક્યતા એ જોઈને ડૂબી મરી,
મોજથી દરિયાની વચ્ચે આપણે મળતાં રહ્યાં.
હસ્તરેખાઓ નવી કંડારવાની લાહ્યમાં,
આગ ને તણખાની વચ્ચે આપણે મળતાં રહ્યાં.
જાનના જોખમ છતાંયે પ્રેમ ના પાછો પડ્યો,
ડર અને શંકાની વચ્ચે આપણે મળતાં રહ્યાં.
ઝંખના જેની હતી, એવું મિલન સંભવ ન’તું,
એટલે સપનાંની વચ્ચે આપણે મળતાં રહ્યાં.
મોંઘવારી સ્પર્શની ‘ચાતક’ સતત નડતી રહી,
શ્વાસના ખર્ચાની વચ્ચે આપણે મળતાં રહ્યાં.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above: Painting by Donald Zolan]
સારું કામ ચાલુ રાખો.
https://rekhtagujarati.org/
khub sundar
Thank you
આપણે મળતા રહ્યા. સુંદર ગઝલ. સ્પર્શની મોંઘવારી અને શ્વાસના ખર્ચા. બેમિસાલ.
ખૂબ ખૂબ આભાર.
વાહ સરસ ।
મક્તા તો લાજવાબ.
ખૂબ ખૂબ આભાર બેન. કુશળ હશો.
સરસ ગઝલ સલામ