સૌ વાચકમિત્રોને ઈસુના નવવર્ષની શુભકામનાઓ.
*
સમયના પ્રહારોને જોયા કરું છું,
બદલતાં વિચારોને જોયા કરું છું.
ચણું છું સબંધોને ભીંતોની માફક,
પછી ત્યાં દરારોને જોયા કરું છું.
લડે છે દિવસરાત શ્વાસોના અશ્વો,
હું ઘોડેસવારોને જોયા કરું છું.
નથી કોઈ મંઝિલ, ન મરજી સફરની,
બસ, એમ જ કતારોને જોયા કરું છું.
હશે ક્યાંક મારી ય એમાં પથારી,
હું એથી મઝારોને જોયા કરું છું.
કરું પાનખરમાં વ્યવસ્થિત પર્ણો,
કે એમાં બહારોને જોયા કરું છું.
હશે ક્યાંક તો તું છૂપાઈને બેઠો,
હું એથી હજારોને જોયા કરું છું.
પ્રતીક્ષાની ‘ચાતક’ કરું છું પ્રતીક્ષા,
અમસ્તા જ દ્વારોને જોયા કરું છું.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
*
[Above – Painting by Donald Zolan]
સરસ . ગઝલ.
Thank you Dhrutiben
ચણું છું સબંધોને ભીંતોની માફક,
પછી ત્યાં દરારોને જોયા કરું છું ….
ખૂબ સુંદર શેર, મનુષ્યની કેટલીયે લાચારી હોય છે. બધાના મનને રાજી રાખવામાં આપણે સમર્થ નથી જ.
ખુબ ખુબ આભાર. તમારી વાત સાચી. કારણ ગમે તે હોય પણ બહુ ઓછા સંબંધો એવા હોય છે જે આજીવન એકધારા રહે ને ટકે. માનવનું મન એમાં બહુ મોટો ભાગ ભજવે છે.