[audio:/p/pardesh-gaman.mp3|titles=Pardesh Gaman|artist=Yatri]
(તરન્નુમ – રાજુ યાત્રી)
કેટલાં ઘર-ગામ-ફળિયાંને રડાવી જાય છે,
દેશ મૂકીને કોઈ પરદેશ ચાલી જાય છે.
લોહીના સંબંધ, કોમળ કાળજાં સ્નેહીતણાં,
લાગણીના તાર પળમાં કોઈ કાપી જાય છે.
કમનસીબી કેટલી કે ઘેલછામાં અંધ થઇ,
પામવા માટી, ખજાનાને ફગાવી જાય છે.
ઝૂલતો હીંચકો, ટકોરા બારણે ઘડિયાળનાં,
એક સન્નાટો ફકત ઘરમાં સજાવી જાય છે.
માવઠું થઈને પછી વરસ્યા કરે છે આંખડી,
રેશમી સપનાં બધા એમાં વહાવી જાય છે.
વૃદ્ધ આંખોમાં રઝળતી આગમનની આશ, કે
શ્વાસ ખુટે તે પહેલાં કોઈ આવી જાય છે ?
માતૃભૂમિ ત્યાગની ‘ચાતક’ સજા છે આકરી,
કોઇ આવી દંડની મ્હોલત વધારી જાય છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
અમેરિકા આવ્યાને આજે બરાબર દસ વરસ થયા … એને પરદેશગમનનું રૂપાળું નામ આપીએ, સ્વૈચ્છિક દેશનિકાલ કહીએ, કે લઘુભિનિષ્ક્રમણ – પણ માતૃભૂમિ છોડવાની ઘટના હરએક વ્યક્તિના હૃદયમાં એક કસક પેદા કરતી હોય છે. એ વ્યથા શબ્દોના વાઘા સજીને પ્રકટ થઈ ..
માતૃભૂમિની તોલે જગતની કોઈ સાહ્યબી ના આવે, માતૃભૂમિમાં બીજું કંઈ હોય ના હોય પણ દિલને શાતા બક્ષતું એક એવું પોતીકાપણું અને એક એવી જ્ઞાત હૂંફ હોય છે જે જગતના બીજા કોઈ સ્થળે હોતી નથી. વતનની માટીમાં અનેક અભાવો, હાડમારીઓ અને મુશ્કેલીઓ છતાં માતૃભૂમિ પ્રત્યે ક્યારેય કોઈને ફરિયાદ ન હોઈ શકે.
ઘર ઝૂરાપાની રજૂઆત વેધક રહી-
વૃદ્ધ આંખોમાં રઝળતી આગમનની આશ, કે
શ્વાસ ખુટે તે પહેલાં કોઈ આવી જાય છે ?
કદાચ આને કારણે જ તરછોડાયેલા મા-બાપ માટે ઇન્ડીયામાં કાયદો ઘડાયો છે.
આવતે મહીને અમારે આવ્યાને ૧૫ વર્ષ થશે
અને
તરન્નુમમા આ રચના સાંભળી વેદનાભરી કસક થઇ
યાદ આવે
કવિ ઝવેરચંદ મેઘાણીની રચના
વતનની પ્રીતડી મીઠે સ્વરે સમજાવતી’તી
વળો પાછા, વળો પાછા એમ વ્યર્થ વલવલતી જતી’તી !
તો
આદિલ મન્સૂરી ધૂળથી માથું ભરી લેવાની વાત કરે છે.
એક કવિએ અત્યંત સરળ લહજામાં કહી દીધું છે :
‘કૌન કિસકે કરીબ હોતા હૈ,
અપના અપના નસીબ હોતા હૈ…’
વાહ પ્ર.બહેન ! અને વાહ સર્જક !
મારે અહીં ૩૦ વર્ષો થયા,તો પણ વતનની યાદો સતત સ્મરણમાં છે.
દર્દભરી સરસ ગઝલ.
સરયૂ
એક દસકો વિતાવ્યો એ માટે અભિનંદન અને આવનારા દસકાઓ કલમની મોજમાં મસ્તી વ્યતીત થાય એવી શુભેચ્છાઓ.
સરસ સંવેદનશીલ ભાવ ગૂંથણીથી ભરી ભરી ગઝલ.
વૃદ્ધ આંખોમાં રઝળતી આગમનની આશ, કે
શ્વાસ ખુટે તે પહેલાં કોઈ આવી જાય છે ?
માતૃભૂમિ ત્યાગની ‘ચાતક’ સજા છે આકરી,
કોઇ આવી દંડની મ્હોલત વધારી જાય છે.
દક્ષેશભાઈ, સંવેદનશિલ વતન ઝુરાપાની ઉત્તમ ગઝલ .. તરન્નુમ સાથે તરત મનમાં શ્પર્શે અને ઉતરી જાય છે..
સંવેદન ને લાગણી ભરી ગઝલ !
કોઈ મને જાય કોઈ કમને જાય પણ વતનથી દૂર થયાનો અહેસાસ કોઈ પણ
સંવેદનશીલ વ્યક્તિને ઝુરાપા સુધી દોરી જ જાય એમાં ય જો એ સર્જક હોય તો
એની કલમ શબ્દોના આંસુ સારે જ.. જોકે આવો પ્રત્યક્ષ અનુભવ નથી
પણ મારા સંજોગો પણ એવા ગૂંથાઈ રહ્યા છે કદાચ મારા નસીબે પણ લઘુભિનિષ્ક્રમણ
લખાઈ જાય…. ખુબ સુંદર ગઝલ
આ વધારે સ્પર્શ્યું
ઝૂલતો હીંચકો, ટકોરા બારણે ઘડિયાળનાં,
એક સન્નાટો ફકત ઘરમાં સજાવી જાય છે.
વૃદ્ધ આંખોમાં રઝળતી આગમનની આશ, કે
શ્વાસ ખુટે તે પહેલાં કોઈ આવી જાય છે ?
મક્તાન શે’રમાં ‘મ્હોલત’ ની જગ્યાએ ‘મહેતલ’ કરો તો ?!! વધારે ગુજરાતી લાગશે…
good one. all things are better in India then other place. but you need the “drusti” to find it. salute to my nation & promoter like you.
ડુબતા ઘંટારાવ ની જેમ રહ્યો હું વિરમી ……મળશો તમે ક્યારે તેની ખબર નથી……???
દક્ષેશભાઈ, આપની ગઝલ રડાવી ગઈ. મેં પણ મારા પૂત્રને પરદેશ મોકલ્યો છે. અને જે અમારા પર વીતી રહી છે તે તો અમે જ જાણીયે છીયે. બધા જ ભૌતિક સુખો મળ્યા હોવા છતાં પુત્ર, પુત્રવધુ અને પૌત્રોના વિરહમા ઝૂરી રહ્યા છીયે.
એકે એક શેર ટાંકવા જેવો લાગે છે. બધા જ શેર જાણે અમારી (હું અને મારી ધર્મપત્નિ)ના મનની લાગણીઓને વાચા આપે છે.
ઝૂલતો હીંચકો, ટકોરા બારણે ઘડિયાળનાં,
એક સન્નાટો ફકત ઘરમાં સજાવી જાય છે.
માવઠું થઈને પછી વરસ્યા કરે છે આંખડી,
રેશમી સપનાં બધા એમાં વહાવી જાય છે.
વાહ, વાહ ! અભિનંદન, દક્ષેશભાઈ.
ડાયસ્પોરાની વેદના સરસ વ્યક્ત થઇ છે.
વાહ ….દક્ષેશભાઈ માફ કરશો. ૧ પંક્તિ હું ઉમેરુ છું ..
આ રોનક -રોજ રમાડી જાય છે,
ને -પોતાપણું પડાવી જાય છે.
સરસ ગઝલ.