Press "Enter" to skip to content

Category: યોગેશ્વરજી

તમે પાછા ફરશો ક્યારે ?


મિત્રો, આજે બીજી ઓક્ટોબર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. સત્ય અને અહિંસાના શસ્ત્રોથી બળવાન ગણાતી અંગ્રેજ સલ્તનતને ઝુકાવી, ભારતને સ્વતંત્ર કર્યું. અપાર લોકઆદર તો મેળવ્યો જ સાથે સાથે દુનિયાના ઈતિહાસમાં ભારતનું નામ અમર કર્યું. ગાંધીજી માત્ર એક સ્વચ્છ રાજકારણી જ નહોતા પણ સંત હતા, આધ્યાત્મિક મહામાનવ હતા. પ્રાર્થનામાં અને રામનામમાં તેમને અપાર વિશ્વાસ હતો. જીવનના અંત સમયે પણ હે રામ કહેવાનું ન ચુક્યા એવા આ ગુજરાતી સપૂતને આજે આપણે યાદ કરીએ. માણો શ્રી યોગેશ્વરજી કૃત ગાંધીજીની જન્મશતાબ્દિ નિમિત્તે 1969માં રચેલ મહાકાવ્ય ‘ગાંધીગૌરવ’માંથી આ સુંદર પદ.

તમે પાછા ફરશો ક્યારે?

મુરઝાયેલી માનવતાના માળી બનતાં વ્હારે
રેલવવા રસક્યારે રસને ફરી આવશો ક્યારે … તમે પાછા ફરશો ક્યારે ?

પીડા પૃથ્વીપ્રાણે પાછી, એના એ ઉકળાટ,
ઘોર તમિસ્ત્ર છવાયાં સઘળે વ્યાપી જડતા-રાત;
પુણ્યપ્રભા પ્રકટાવી પ્રેમળ પવિત્ર ને રળિયાત
માનવને કહેવા વીસરાઈ એ જ ઐક્યની વાત,
પ્રકટ થશો પૃથ્વી પર પાછા પ્રાણ રેલવા ક્યારે … તમે પાછા ફરશો ક્યારે ?

શમી સમસ્યાઓ ના સઘળી નવી સમસ્યા જાગે,
અશાંત અટવાયેલી અવની આર્ત અધિકતર લાગે;
શસ્ત્રોના સંચય વધતાં ને ભેદભીતિ ના ભાગે,
વસતો સુંદર વસુંધરામાં માનવ ના રસરાગે.
પ્રકટ થશો પૃથ્વી પર પાછા પ્રાણ રેલવા ક્યારે … તમે પાછા ફરશો ક્યારે ?

અપૂર્ણ મૂકી ગયા કાર્યને પૂરણ કરવા પ્રેમે
પાછા ફરો કરીશું સ્વાગત નેહનીતરતાં નેને;
જરી જુઓ તો તમે ચાહતા શું ને આજ થયું શું,
ભારત ને મનુકુળના ભાગે આજે રિક્ત રહ્યું શું ?
પુષ્પો પાથરશું પંથમહીં વધાવતાં મધુમાળે … તમે પાછા ફરશો ક્યારે ?

એક મહામાનવને માગે મ્લાન મહીમંડળ આ
યુગોતણો ઈતિહાસ સર્જવા ઝંખે છે અંતરમાં;
પ્રકટો કે આશીર્વાદ ધરો વિભૂતિ કોઈ જાગે
રંગી દે અંતરને એના અભિનવ શાશ્વત રાગે,
ત્રુટિત સિતારી સાંધી છોડે દિવ્ય સુરાવલિ તારે … તમે પાછા ફરશો ક્યારે ?

શ્રી યોગેશ્વરજી કૃત ‘ગાંધીગૌરવ‘માંથી (સાભાર સ્વર્ગારોહણ )

3 Comments

શિવ સ્તુતિ


આજે મહાશિવરાત્રી છે. તો એ નિમિત્તે શ્રી યોગેશ્વરજી રચિત ભગવાન શિવની સુંદર સ્તુતિ સાંભળીએ.
*
આલ્બમ: વંદે સદાશિવમ; સ્વર: આશિત અને હેમા દેસાઈ

*
સુહાયે મસ્તકે ગંગા, વળી મધુ ચંદ્ર માણે છે,
શરીરે પુષ્પની માળા સમા સર્પો સુહાયે છે.
પરમ શોભા બની જેની, લજાયે કામ જ્યાં લાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.

નથી ઐશ્વર્યની તુલના, પતિ બ્રહ્માંડના જે છે,
મધુર છે રૂપ જેનું તોય ત્યાગી રૂપમાં રહે છે.
સદાયે સિદ્ધ ને યોગીન્દ્ર જેને પૂજતા લાખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.

મહાકૈલાસના વાસી વળી આત્મા તણા રાગી,
ભર્યા કરુણા થકી ત્યાગી, છતાંયે ખૂબ વરણાગી.
બધીયે રિદ્ધિ સિદ્ધિ ભુક્તિ મુક્તિ ભક્ત પર નાંખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.

જગત કલ્યાણ કાજે જે હરખતાં નીલકંઠ થયા,
અનંગ કર્યો રતિસ્વામી, ઉમાની સાથ તોય રહ્યા.
ચરણ એ દેવ મારા મસ્તકે મધુરાં સદા રાખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.

તમે ના હોત તો ગંગા મળત ના મર્ત્ય આ જગને,
તમે ઝીલી શક્યા તેને જટામાં દિવ્યશક્તિ એ.
લભી તે દિવસથી ગંગા કરે છે પુણ્યમય લાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.

કરી મજ્જન અને જલપાન લોકો પુણ્ય મેળવતા,
બની ઐશ્વર્યશાળી ને સુખી ને વૈભવી બનતા.
બને છે દૂત યમના જેમની પાસે ખરે માખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.

કહે છે મૂર્ખ માનવ જડ તમોને તે કહે છોને,
નિહાળી પ્રેમ હાલો છો, વળી બોલો મધુર બોલે.
નથી વિશ્વાસ પણ જગને, જગતમાં લાખ છે શાખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.

કરે જો પ્રાર્થના ભાવે, ભજે તમને સદા રાગે,
બને ના તો તમારૂં રૂપ પ્રેમી પાસ ના જાગે.
ભગતનો વ્યાજ સાથે પ્રેમ વાળી દો તમે આખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.

મહા ત્યાગી છતાંય ઉમા કરે સેવા તમારી તો,
વળી બ્રહ્માંડના પતિ છો, છતાં એકાંતવાસી છો.
ન સમજે મૂર્ખ જન તમને, મને ના ભ્રાંતિમાં નાંખો,
નમું એવા સદાશિવને, હૃદયમાં રૂપને રાખો.

તમારી હો કૃપા મંગલમયી એ એક આશા છે,
ઉમા-શંકર તમારા દ્રષ્ટિ સુખની ફક્ત આશા છે.
સુણી પોકાર મારો આવજો પ્રેમે કરી પાંખો,
નમું એવા સદાશિવને, ચરણમાંહે મને રાખો.

– શ્રી યોગેશ્વરજી (સાભાર સ્વર્ગારોહણ)

5 Comments

સૈનિકોની સ્મૃતિમાં


આજે 26મી જાન્યુઆરી, ભારતના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સૌ વાચકોને શુભેચ્છાઓ.
(દેશભક્તિના ગીતો સાંભળવાનું ચુકશો નહીં.)

સ્વતંત્રતાની સુરક્ષાને માટે મન મૂકીને લડનારા
શૂરા સૈનિકોની સ્મૃતિમાં આપણે બીજું તો શું કરી શકીએ ?
પરંતુ એમને આદરપૂર્વકના અનુરાગની અંજલિ અવશ્ય આપીએ.

હિમાલય પર્વત પરની પ્રતિકૂળ પરિસ્થિતિમાં,
શત્રુની સામે એ હસતાં હસતાં લડ્યા, ઝૂઝ્યા, ને મર્યા કે બલિ બન્યા.
છેલ્લા શ્વાસ સુધી એમણે સ્વતંત્રતાની સુરક્ષા કરી,
અને મરતી વખતે પણ પ્રાણમાં એ જ ભાવના ભરી કે,
માતૃભૂમિને માટે પોતે ફરીફરી જન્મે ને જરૂર પડે ત્યારે મરે.
મરતી વખતે પણ એમણે એ જ ભાવના ભરી.

દુશ્મન-દળની સામે દુર્ઘર્ષ દીવાલની જેમ ઊભા રહ્યા,
અને આતંકકારી આક્રમણખોરોને
પોતાની શૂરવીરતાનો સ્વાદ સારી પેઠે ચખાડી દીધો.
કૃત્યંતની પેઠે કાયરતાને ફગાવી દઈને એ રણસંગ્રામમાં કૂદી પડ્યા,
અને અનેકને મારીને જ પછી મર્યા.

મરતી વખતે એમની આંખમાં આત્મસંતોષ હતો,
અને એમના શ્રીમુખ પર શાંતિ.
કાળજામાં કર્તવ્યપાલનની પ્રતીતિ હતી,
અને અંતરાત્મામાં હતો અવર્ણનીય અને અસાધારણ આહલાદ.
મૃત્યુની મિત્રતા તથા ફિકરની ફાકી કરીને જંગમાં ઝૂઝનારા એ જવાંમર્દો
જીવનનું સાફલ્ય કરતાં ચિરનિદ્રામાં પોઢી ગયા,
પરંતુ ધરિત્રી પણ એમના હેતથી હાલી ઊઠી.

સ્વતંત્રતાને માટે સર્વસમર્પણ કરનારા એ સૈનિકોની સ્મૃતિમાં
આપણે બીજું તો શું કરીએ ?
પરંતુ એમને પગલે ચાલી માતૃભૂમિને માટે મરી ફીટવાની પ્રતિજ્ઞા લઈએ,
સ્વતંત્રતાની સુરક્ષા તથા સમૃદ્ધિને માટે બનતું બધું જ કરી જઈએ, તો પણ ઘણું.
એમની સોનેરી સનાતન સ્મૃતિને હૃદયમાં જડી દઈએ.

– શ્રી યોગેશ્વરજી કૃત ‘અક્ષત’માંથી (સાભાર સ્વર્ગારોહણ)

Leave a Comment

મારી અરજ સુણી લો


ગુજરાતના સુપ્રસિદ્ધ સંત સાહિત્યકાર શ્રી યોગેશ્વરજીએ એમના સાધનાકાળમાં હિમાલયનિવાસ દરમ્યાન અસંખ્ય ભજનોનું સર્જન કર્યું. અહીં એમના સાંઈબાબા પર લખેલા ભજનોના સંગ્રહ ‘સાંઈ સંગીત’ માંથી એક ભજન રજૂ કર્યું છે.
*
આલ્બમ: પૂજાના ફૂલ, સ્વર: હેમા દેસાઈ

*
મારી અરજ સુણી લો આજ, મારી અરજ સુણી લો આજ
પ્રેમ કરીને પ્રગટી લો પ્રભુ, કરવા મારું કાજ … મારી અરજ

સુંદરતાના સંપુટ જેવો, સરસ સજીને સાજ
આવો મારે મંદિર આજે, કરતા મિષ્ટ અવાજ … મારી અરજ

આતુર થઈને પ્રતિક્ષા કરતો, મારો સકળ સમાજ
સત્કાર કરે શ્રેષ્ઠ તમારો, વાજે ઝાંઝ પખાજ … મારી અરજ

કથા સાંભળી એવી કે છો, તમે ગરીબ નિવાજ
પોકારું છું તેથી તમને, પ્રેમીના શિરતાજ … મારી અરજ

અંતરનો અનુરાગ થયો છે, કહ્યું તજીને લાજ
‘પાગલ’ કે’ પ્રભુ પ્રસન્ન હો તો મળશે મુજને રાજ … મારી અરજ

શ્રી યોગેશ્વરજી કૃત ‘સાંઈસંગીત’માંથી (સૌજન્ય: સ્વર્ગારોહણ)

5 Comments

પંદરમી ઓગષ્ટ

પંદરમી ઓગષ્ટ અનોખી ઓગણીસસો સુડતાલીસ,
સ્વાતંત્ર્ય મળ્યું ભારતને, છે એ ઈતિહાસ તવારીખ.

અસ્ત થઈ પરદેશી સત્તા ચમત્કાર અણમોલ થયો,
યુગો પછી દેવોના દેશે પ્રકટી મુક્તિસૂર્ય રહ્યો.

ઉલ્લાસે ભર જનતા સઘળી ઉત્સવ કરવાને લાગી,
અભિનવ અભિલાષાસ્વર છોડી સિતાર જન-મનની વાગી.

યુગોયુગ લગી અમર રહો એ પંદરમી ઓગષ્ટ મહા,
સ્વાતંત્ર્ય રહો શાશ્વત તારું ભારત, પ્રકટો પૂર્ણ પ્રભા !

રહ્યો વસવસો કોઈ જનને સ્વતંત્રતા ના પૂર્ણ મળી,
અસ્તાચળ પર સૂર્ય પહોંચ્યો ધરતીને વિષછાંય ધરી.

ખંડિત કાયા થઈ દેશની ભેદભરી વીણા વાગી,
પ્રજાજનોએ સ્વપ્ને પણ ના આવી આઝાદી માગી.

ભાગલા થયા ભારતના પણ સંસ્કૃતિ અખંડ એક જ છે,
આત્મા કેમ શકે ભંગાઈ ? અવિભાજ્ય અવિનાશી એ.

એક જ રક્ત વહે છે સૌમાં એક જ જનનીનાં સૌ બાળ,
અલગ થવાથી જુદાં થાય ના પાણી જેમ કર્યાથી પાળ.

છત્ર હિમાલય સૌ પર ઢાળે ગાય જલધિ સંગીત રસાળ,
ભૌગોલિકતા મટે નહીં એ કર્યે વિભાજન બાહ્ય હજાર.

અમર રહો પંદરમી, રેલો સંપ સ્નેહ સહકાર હવા,
પ્રેરિત કરો સદા માનવને રાષ્ટ્રકાજ કુરબાન થવા.

ભેદભાવની દીવાલ તૂટો મટો વેર મમતા જડતા;
પ્રાણ ધરો સૌરભ સર્વતણા દર્દ દૈન્યપંકે સડતા.

શ્રી યોગેશ્વરજી (‘ગાંધી ગૌરવ’) સૌજન્ય સ્વર્ગારોહણ

5 Comments

સૌનેય છે જવાનું

જીવન શું છે ? એક પ્રવાસ અને પ્રત્યેક જીવ એનો પ્રવાસી. એ માર્ગ સૌંદર્યથી સભર છે, પણ ‘અશ્વત્થની સમીપે શાશ્વત સમય સુધી ના, કોઇ શક્યું વગાડી વીણા નદીતટે આ’ કહીને કવિએ હયાતીની મર્યાદા અને કાળની અગાધ શક્તિને વ્યક્ત કરી છે.  તો શું ક્ષણભંગુરતાના ગાણા ગાઈને, તિરસ્કાર કે ત્યાગના વિચાર કરવાના ? ના. કવિ કહે છે કે જે અલ્પ પણ સમય મળ્યો છે એમાં પ્રેમ વ્હેંચવાનો છે. જીવનની નશ્વરતા, મૃત્યુની અવશ્યંભાવિતા અને પ્રેમનો મહિમા ગાતું આ ગીત અભિવ્યક્તિની તાજગીને લીધે હૃદયસ્પર્શી બન્યું છે.
*
સ્વર – રાજુ યાત્રી

*
સૌનેય છે જવાનું અંતે અલગ થવાનું
વૃક્ષોતણી ઘટામાં સૌન્દર્યની છટામાં-
કૂજે વિહંગ ક્રીડે ને ક્રૌંચ વાયુ ગાયે
બેસી પરબ પરે ત્યાં પાછા પથે જવાનું.

અશ્વત્થની સમીપે શાશ્વત સમય સુધી ના
કોઇ શક્યું વગાડી વીણા નદીતટે આ;
ઘંટારવો, પૂજારી, સાહિત્ય ને પૂજાનું
દીપકશિખા બધુંયે સ્મૃતિના ઉરે સમાયું.

મંદિર રહ્યું ન એવું આરાધના ન એવી
છે કાળદેવતાએ ક્રીડા કરેલ કેવી?
સૌનેય છે જવાનું અંતે અલગ થવાનું
ના કિન્તુ પ્રેમને કો સ્વાહા કરી જવાનું,

ટૂંકા પ્રવાસમાં જે સાથી મળે, મળીયે
તે સર્વને હૃદયથી, ભાવે ભળી જવાનું

–  યોગેશ્વરજી  કૃત ‘તર્પણ’ માંથી (સૌજન્ય સ્વર્ગારોહણ)

5 Comments